(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
કતારગામ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ કરી ખેતરના રૂમમાં લઈ જઈ ત્રણ મિત્રોએ વારાફરથી બળાત્કાર કર્યો હતો. નરાધમે બળાત્કારના મોબાઈલમાં ફોટા પાડી વિદ્યાર્થિનીને કોઈને જાણ કરી તો વાયરલ કરી દેવાની સાથે મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ બે દિવસ પહેલાં પણ વિદ્યાર્થિનીને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બાઈક પર અપહરણ કર્યું હતું. પરંતુ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા રસ્તામાં છોડી દીધી હતી. આ બનાવ સંદર્ભે કતારગામ પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કતારગામ હાથ મંદિર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષ ૨ માસની સગીરાનો જય ખોખરિયા અવાર-નવાર પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો. સગીરાએ જય ખોખરિયાને કોઈ મચક નહીં આપતા છ મહિના પહેલાં તેના બે મિત્રો સાથે સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં જાનથી મારી નાંખવાની ધમકી આપી એક રૂમમાં જય ખોખરિયા સહિત તેના બે મિત્રોએ વારાફરથી બળાત્કાર કર્યો હતો અને બળાત્કારના ફોટા મોબાઈલમાં પાડ્યા હતા. જય ખોખરિયાએ બનાવ અંગે કોઈને કહીશ તો મોઢા પર એસિડ ફેંકી મારી નાંખવાની સાથે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી જેથી સગીરાએ બનાવ અંગે કોઈને જાણ કરી ન હતી. પરંતુ છ મહિના બાદ ગત તા.૨૬મીના રોજ ફરી જય ખોખરિયાએ તેના મિત્ર સાથે સગીરાનો પીછો કરી તેને ફોટા બતાવી ધમકાવી હતી અને ૨૭મીના રોજ મિત્ર સાથે બળજબરી પૂર્વક બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું. જો કે, સગીરાએ હિંમત દાખવી બૂમાબૂમ કરતા રસ્તામાં ઉતારી નાસી ગયા હતા. બનાવ અંગે સગીરાએ તેના પરિવારને વાત કર્યા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની ફરિયાદ લઈ જય ખોખરિયા અને તેના બે-ત્રણ મિત્રો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આરોપીઓ પોલીસની પકડથી દૂર
બે દિવસ પહેલાં જ જય ખોખરિયા અને તેના ભાઇ જીતુ ખોખરિયાએ પીડિતાના પિતા અને ભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. સાગરિતો સાથે મળી કરવામાં આવેલા હુમલા સંદર્ભે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે, હજુ સુધી આરોપીઓની ધરપકડ શક્ય બની નથી એમ ઈન્સ્પેક્ટર બી.ડી. ગોહિલે ગુજરાત ટુડેને જણાવ્યું છે.