(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
શહેરમાં સરકારી અનાજના જથ્થાનું બારોબાર વેચાણ કરી દેનારા વરાછાના સરકારી અનાજના દુકાનદાર સામે જિલ્લા પુરવઠા વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણ વિસ્તારની ભુલકા ભવન સ્કૂલની સામે ઓમકાર ફલેટમાં રહેતા રવિન્દ્રસિંહ છીતુરસીંગ ચૌહાણ પુણા વિસ્તારમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. વરાછા વાણીનાથ સોસાયટી માલિબા કોમ્પલેક્ષમાં આવેલી દુકાન નં – ૭માં સરકારી અનાજની દુકાન ચલાવતા અને નાના વરાછા રણછોડ નગર રો હાઉસમાં રહેતા બાબુલાલ ચંપાજી ખટીક સરકારી અનાજની દુકાનનું લાયસન્સ ધરાવે છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ સરકાર દ્વારા અપાતું અનાજ ગરીબ લોકો સુધી પહોંચવુ જાઈએ. પરંતુ બાબુલાલ ગરીબોને અનાજ આપવાના મુદ્દે પોતાના આર્થિક લાભ ખાતર પુણા વિસ્તારના લોકોને આપવા પાત્ર ૧૪,૭૨૩ કિલો ગ્રામ ઘઉં, ૩,૭૮૦ કિલો ચોખા, ૯૩૨ કિલો ગ્રામ ચણાની દાળ મળી કુલ રૂ.૪.૨૯ લાખનો સામાન સગેવગે કરી રેશન કાર્ડ ધરાવતા લોકોને અનાજનો જથ્થો આપ્યો ન હતો. આમ રેશનકાર્ડ ધારકો સાથે કરેલા વિશ્વાસઘાત અંગે રવિન્દ્રસીંઘને જાણ થતાં તેમણે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.