(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સુરતમાં કોરોના વાયરસની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. છતાં પણ આ જીવલેણ અને ચેપી રોગને નિયંત્રિત રાખવા સરકારી તંત્ર કોઇપણ પ્રકારની બેદરકારી રાખવા ઇચ્છતી ન હોય તેમ, પાલિકા કમિશનરે આજે શહેરના ભાગળ અને નવસારી બજાર જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉપરાંત તેમણે શહેરની સરકારી ઇમારતો અને વાહનોને સેનેટાઇઝરીંગ કરવાનો ફાયર વિભાગને આદેશ આપ્યાનું જાણવા મળે છે.
કોરોના વાયરસની સામે લડવા માટે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા અનેક મહત્ત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. ઉપરાંત આજે પાલિકાના કમિશનર દ્વારા શહેરના કોટ વિસ્તાર સમા ભાગળ અને નવસારી બજારની મુલાકાત લેવાય હતી જેમાં તેમણે પરિસ્થિતિનો ચિટાર મેળવી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. આટલું જ નહીં પરંતુ પાલિકા કમિશનરે તમામ સોસાયટીઓ, મોહલ્લાઓ, એપાર્ટમેન્ટ, સરકારી કચેરીઓ અને સરકારી વાહનોને સેનેટાઇઝરીંગ કરવાનો ફાયરબ્રિગેડને આદેશ આપ્યાનું પણ જાણવા મળે છે જેને લઇને ફાયરબ્રિગેડ દ્વારા તમામ સોસાયટીઓ અને મોહલ્લાઓમાં સેનેટાઇઝરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, આમ શહેરને કોરોના મુક્ત કરવા માટે તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.