(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
સુરત શહેરમાં ગતરોજ વિવિધ વિસ્તારોમાં પદ્માવત ફિલ્મનો વિરોધ કરવા માટે પ્રદર્શન કરનારા તત્ત્વોએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરવાની સાથે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડોહળાવાનો પ્રયત્ન કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે આજે બપોરે સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. કમિશનરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલની ઘટના પૂર્વનિયોજીત કાવતરુ હતું. ગુંડા અને અસામાજિક તત્ત્વોએ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરશે. પોલીસ પાસે કાર્યવાહી કરવાની સત્તા છે.પદ્માવત ફિલ્મનો વિરોધ કરનાર સંગઠનો, મંડળીઓ અને કાર્યકર્તાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે. ગતરોજ વિરોધ પ્રદર્શન કરનારા તત્ત્વોને સીસીટીવી ફુટેજના આધારે ઓળખ કરીને એક એકને વીણી વીણીને ધરપકડ કરવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ શહેરના તમામ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ખડકશે. તોફાન કરનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે. શહેરની શાંતિ ડોહળનારા તત્ત્વોને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહીં. સરકારી સંપત્તિનું નુકસાન કરનારા તત્ત્વો સામે રાયોટિંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.