સુરત, તા.૧૯
જિલ્લામાં ચોમાસાની સમયસર શરૂઆત સાથે જ પખવાડીયામાં ખેતીલાયક સરેરાશ સવા પાંચ ઇંચ વરસાદ નોંધાતા ખુશ થઇ ઉઠેલા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ૧૩૨૫ હેકટર જમીનમાં શાકભાજી, લીલો પડવાશ, કપાસ સહિતના પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. સુરત જિલ્લામાં ૧૫ જૂનથી આ વર્ષે ચોમાસુ ટાઇમસર શરૂ થઇ ગયું છે. જેના કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થતા ખેડૂતો ખેતીપાક તરફ વળ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં મૌસમનો કુલ વરસાદ ૧૨૮૯ મીમી એટલે કે સરેરાશ ૫.૧૫ ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડૂતો જણાવે છે કે આટલો વરસાદ વાવેતર માટે માફકસર છે. વરસાદના પગલે સુરત જિલ્લામાં ખેડૂતોએ ૧૩૨૫ હેક્ટર જમીનમાં વાવેતર કર્યુ છે. જેમાં ૪૧૪ હેક્ટર શાકભાજી, ૩૭૭ હેક્ટર લીલો પડવાશ, ૨૧૧ હેક્ટરમાં કેળા, ૨૧૮ હેક્ટરમાં ધાસચારા, કપાસનું ૮૭ હેક્ટરમાં વાવેતર થયુ છે. સુરત જિલ્લામાં સારા ચોમાસાની શરૂઆત સાથે શાકભાજી, કપાસના વાવેતરની સાથે જ ડાંગરની રોપણી માટે ખેડુતોએ ધરૂની રોપણી પણ શરૂ કરી દીધી છે. આમ ચોમાસાની વિધિવત શરૂઆત થતા જ ખેડૂતો માટે આ વર્ષે માટે સારુ જાય તેવી આશા છે.