(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
મૂળ આંધ્રપ્રદેશની વતની અને છેલ્લા ૧૮ વર્ષથી સુરત શહેરમાં રહેતી એક સ્કૂલ સંચાલિકા પાસે રૂ.૨૫ લાખની ખંડણીની માંગણી એક દુપટ્ટાના વેપારી દ્વારા કરવામાં આવી હોવાનું મહિલા આચાર્ય મોહિની લક્ષ્મી અન્નાપલ્લીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પત્રકાર પરિષદ સંબોધતી વખતે લીંબાયત બજરંગ નગર સ્થિત કલા ભારતી પબ્લિક સ્કૂલની સંચાલિકા અને આચાર્ય મોહિની લક્ષ્મીએ જણાવ્યું હતું કે ડુંભાલ ઓમનગર, પરવત ગામ બજરંગ નગર અને ગોડાદરા વૃંદાવન પાર્ક ખાતે મળી કુલ ત્રણ સ્કૂલોમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડુંભાલ જનકલ્યાણ વિભાગની કલ્યાણ સોસાયટી વિભાગ-૧માં રહેતાં અને હરિઓમ માર્કેટમાં દુપટ્ટાની દુકાન ચલાવવા વાળા વૈકન્ના સોમૈયા વેમુલાએ તેમના પુત્રની એલસીમાં નામમાં સુધારો કરવા માટે રૂ.૩૦૦ આપ્યા હતા. વહીવટી અને સ્ટેશનરી ચાર્જ વસૂલ ન કરી શકાય તેવું જાણ્યા બાદ મહિલા પ્રિન્સીપાલ મોહિની લક્ષ્મીએ રૂ.૩૦૦ પરત આપવાનું જણાવ્યું હતું. પરંતુ આ સમાધાન પેટે વૈકન્નાએ રૂ.૨૫ લાખની ખંડણીની માગણી કરતા તેમણે શહેર પોલીસ કમિશનરમાં ફરિયાદ પણ આપી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.