(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સુરત શહેરમાં મોબાઇલ સ્નેચરોના વધતા જતા આતંકના કારણે પોલીસની પેટ્રોલિંગ સાવ નાકામ પુરવાર થઇ છે. રોજના પાંચથી સાત મોબાઇલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં પાંચ મોબાઇલ ચોરીની ફરિયાદો નોંધાઇ છે.
ઉધનામાં રહેતા અભિષેક ક્રિષ્ણા બિચવે બમરોલી ભીડભંજન રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે લૂંટારૂઓએ તેના હાથમાંથી રૂા.૧૨ હજારનો મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હતા. બીજા બનાવમાં ગોપાલ નગરમાં રહેતા વેપારી મહેશ જ્ઞાનેર પાટીલ પુણા પાટિયા ઓવરબ્રિજ પરથી બાઇક લઇને ઉતરી રહ્યા હતા. તે વખતે બાઇક પર ધસી આવેલા બે લૂંટારૂઓએ તેમના ખિસ્સામાંથી રૂા.૧૦ હજારનો મોબાઇલ ફોન આંચકીને ભાગી છૂટ્યા હતા. ત્રીજા બનાવમાં ત્રીજા બનાવમાં સિટીલાઇટ રોડ પનાસ ગામમાં રહેતા કૃષ્ણકુમાર હરીશચંદ્ર દાબેકર જહાંગીરપુરા બ્રિજની ડભોલી નજીક તેમનો ફોન આવતા તે રસ્તાની બાજુમાં ઉભા રહી વાત કરી રહ્યા હતા. તે વખતે પલ્સર બાઇક પર ત્રાટકેલા બે લૂંટારૂઓએ તેમના હાથમાંથી રૂા.૫૧ હજારનો મોબાઇલ ફોન આંચકીને રફુચક્કર થઇ ગયા હતા. ચોથા બનાવમાં અલથાણ કેનાલ રોડ વનિતા હાઇટ્‌સમાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ભાવિ અનિલકુમાર કાપડિયા વેસુ એસ.એન.એસ. પ્લેટીનમ બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ ભાવિ પાસે બાઇક લાવી તેના હાથમાંથી રૂા.૩૫ હજારનો મોબાઇલ ફોન લૂંટીને અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા અને પાંચમા બનાવમાં ઘોડદોડ રોડ પ્રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણ હીંગડ ફાયર સ્ટેશન રોડ પરથી બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યારે બાઇક પર ધસી આવેલા બે લૂંટારૂઓએ રૂા.૩૬ હજારનો મોબાઇલ ફોન ખિસ્સામાંથી કાઢીને ભાગી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અડાજણ ગુજરાત ગેસ સર્કલ સ્થિત આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતો મિહીર રાજેન્દ્ર ચૌહાણ અઠવાલાઇન્સ અંબિકા નિકેતનના ગેટ પાસેથી પોતાની મોપેડ લઇને પસાર થઇ રહ્યો હતો. તે વખતે બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ મિહીર કંઇ સમજે તે પહેલાં પાછળ બેઠેલા યુવકે તેના ગળામાં ઝાપટ મારી રૂા.૫૦ હજારની સોનાની ચેઇન આંચકી અંધારાનો લાભ લઇ રફુચક્કર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ડભોલી ગંગોત્રી સોસાયટીમાં રહેતા હિમ્મત ગોહીલ તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં બાઇક પર સવાર થઇ રામનગર ચાર રસ્તા કડિયા કામ માટે મજૂરી નક્કી કરવા માટે ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક પર ધસી આવેલા બે લૂંટારૂઓએ તેમના ખિસ્સામાંથી રૂા.૯ હજારનો મોબાઇલ ફોન લૂંટીને ભાગ્યા હતા. આ જોઇને હિમ્મતભાઇએ બૂમાબૂમ કરી તેનો પીછો કર્યો હતો. જેથી ગભરાઇને ભાગી રહેલા બંને લૂંટારૂઓની ગાડી સ્વીફ્ટ કાર સાથે ભટકાઇ જતાં તેઓ નીચે પડી ગયા હતા. બે પૈકી એક ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે એકને લોકોએ પકડી મેથીપાક ચખાડી જહાંગીરપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે પૂછપરછ કરતા ગોપીપુરા મોમનાવાડ સ્મીતા એપાર્ટમેન્ટમાં રહેતો અકીલ ઉર્ફે અક્યા કમરૂદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું. પોતાની સાથે શાહરૂખ ઉર્ફે સ્માર્ટી નામનો સાગરિત હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.