(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરતમાં હોળી-ધૂળેટીના તહેવારો રક્તરંજીત બન્યા હતા. શહેરમાં સામાન્ય બોલાચાલી અને મારઝુડને પગલે બે જેટલી વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દોડતી થઇ જવા પામી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ ધૂળેટીના તહેવાર નિમિત્તે ડીંડોલી મણીનગર ખાતે ચાર પાંચ મિત્રો વચ્ચે જૂના ઝઘડાની અદાવતમાં બોલાચાલી થતી હતી. અમોલના પિતા કમલેશે કહ્યાં કે તમે શા માટે ઝઘડી રહ્યા છો. અમોલના ગળામાં પહેરેલ સોનાની ચેન બંટીએ આજના દિવસ માટે પહેરવા માંગી હતી તે બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બંટી સંજય શર્મા (ઉ.વ.૨૪ રહે. મણીનગર)ને જાંઘના ભાગે ચાકુનો ઊંડો ઘા લાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા ડીંડોલી પોલીસે અમોલ કમલેશ સૂર્યવંશી, કમલેશ સૂર્યવંશી બંને (રહે. ડિંડોલી મણીનગર), ઉમેશ સીરસાડ, દિપક કાલીયા ઉર્ફે હેન્ડસમ બંને (રહે. ઉધના)નાઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે કાપોદ્રાના ક્રિષ્ણાનગર ખાતે રહેતો રાહુલ ગોવર્ધન દેવીપૂજક (ઉ.વ.૨૨) મિત્રો સાથે રાત્રે ફિલ્મ જોઈને ઘરે ચાલતા આવતો હતો. તે દરમ્યાન રસ્તામાં મોટરસાઈકલ અથડાતા ઝઘડો થયો હતો. બંને જૂથો દ્વારા એકબીજાને અપશબ્દો કહેતા છૂટાહાથની મારામારી થઈ હતી. તે દરમ્યાન મોટરસાઈકલ સવાર અજાણ્યા ત્રણ ઈસમો પૈકી રાહુલ પર ચાકુથી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસે ત્રણ અજાણ્યા બાઈક ચાલકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.