સુરત,તા.૧૫
રાજ્યનાં અન્ય મહાનગરોની તુલનામાં સુરતની સ્થિતિ થોડી અલગ છે. અહીંના વહીવટી તંત્ર માટે એક યક્ષ પ્રશ્ન છે. અહીં દેશભરનાં તમામ રાજ્યના મળી કુલ આશરે ૧૦ લાખ જેટલા શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે. હાલમાં લોક ડાઉનની સ્થિતિમાં આ તમામને બે ટંક ભોજન મળી રહે, સમયસર સારવાર મળી રહે તેવું આયોજન ગોઠવવું અત્યંત આવશ્યક બન્યું છે. આવી વ્યવસ્થા ગોઠવવામાં જો વહીવટી તંત્ર ઉણું ઉતરશે તો હવે પછીનો સમય કપરો આવે તો ના નહીં.
સુરતની વાત કરીએ તો અહીં પાંડેસરા, સચિન, સચિન જીઆઇડીસી અને કતારગામ વિસ્તારમાં તેમજ સુરતની નજીક આવેલા કડોદરામાં મળી આશરે ૩૦૦ જેટલી ડાઈંગ મિલો ધમધમે છે. વળી, વિવિંગ અને એમ્બ્રોઇડરીના કારખાનામાં પણ પરપ્રાંતી શ્રમિકો મોટી માત્રામાં એટલે કે આશરે દસ લાખની સંખ્યામાં કામ કરે છે. આ તમામને પ્રાથમિક સુવિધા સમયસર મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરનું તંત્ર સંકલન કરી કોઇ અલાયદી વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે. કારણ કે, એક તરફ કોઇ કામ ધંધો ન હોવાથી આવક લગભગ બંધ જ થઇ ગઇ છે. વળી, વતનમાં જવાની કોઇ વ્યવસ્થા નથી. પરિણામે લાખોની સંખ્યામાં રહેલા શ્રમિકોને સુરતમાં રહેવા સિવાય કોઇ વિકલ્પ નથી. એક તરફથી આવક બંધ, બીજી બાજુ વતનમાં જઇ શકાતું નથી. તેવા સમયે તમામને બે ટંક પૂરતું ભોજન મળી રહે, આરોગ્યલક્ષી સુવિધા સમયસર મળી રહે તે માટેનું વિશેષ આયોજન વહીવટી તંત્ર અત્યારથી જ ગોઠવે તે અનિવાર્ય છે.
આ વાત એટલા માટે કરવી પડે છે કે, ગણતરીના દિવસોમાં જ સુરત શહેરમાં ચાર ઘટના એવી બની છે. જેમાં પરપ્રાંતી યુવાનો ટોળાંમાં એકત્ર થઇ રસ્તા પર ઊતર્યા હતા. અલગ અલગ વિસ્તારમાં બનેલી આ ચાર ઘટવાનું જો પુનરાવર્તન થતું અટકાવવું હશે તો વહીવટી તંત્ર તરફથી શ્રમિકોની અલાયદી વ્યવસ્થા કર્યા સિવાય છૂટકો નથી.