(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
એક સુખી સંપન્ન પરિવારનો દીકરો અચાનક ગુનાના માર્ગે ચઢી ગયો અને બની ગયો સિરિયલ કિલર. જો કે પકડાઈ જવાની બીકે ભાગતો ફરતો આરોપી રાજસ્થાન-ગોવામાં છુપાયા બાદ અંતે સુરતમાં છેલ્લા ૧૧ વર્ષથી નામ બદલીને ઠરીઠામ થઈ ગયો હતો. પરંતુ કરેલા કર્મો તમારો પીછો કયારેય છોડે નહીં ત્યારે આખરે એટીએસએ સિરિયલ કિલરને સુરતથી પકડી પાડી તેના ગુનાઓનો પર્દાફાશ કરી દીધો છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે બાલાસિનોરનો આરોપી અસલમ ઉર્ફે અમન અબ્દુલ કરીમભાઈ શેખ પાંચ મર્ડર સહિત ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે પોતાની ઓળખ બદલીને છેલ્લા ૧૧ વર્ષથી સુરતમાં નામ બદલી ઓળખ છુપાવીને રહે છે. ત્યારે એટીએસની ટીમે સુરતમાં ત્રણ દિવસની ભારે મહેનત બાદ આખરે અસલમ ઉર્ફે લાલાભાઈને ઓળખીને પકડી પાડયો છે. આરોપીએ વર્ષ ર૦૦૮થી ર૦૧૧ દરમ્યાન પોતાના સાગરીતો સાથે મહિસાગર વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં રાત્રે ટ્રેકટર રેતી કપચીના ફેરા કરતા એકલ દોકલ લોકોને માર મારીને કે નદી કે કેનાલમાં ફેકી દેતો હતો. ટ્રેક તથા ટ્રોલી લૂંટ ચલાવી સસ્તા ભાવે વેચી દેતો હતો. આરોપી અસલમે સાગરિતો સાથે મળીને કોઠંબા ગામ, દહેગામ, મોડાસા અને છોટાઉદેપુર સહિતની જગ્યાઓએ પાંચ લોકોને હાથ પગ બાંધી કેનાલ કે નદીમાં ફેંકી દઈ મર્ડર કરી કુલ ૧૦ ટ્રેકટર, ૧ર ટ્રોલી અને એક બાઈકની લૂંટ ચલાવી હતી. ઉપરાંત અન્ય જગ્યાઓએ રોડ ઉપર ડ્રાયવર સાથે કારણ વિના ઝઘડો કરી ડ્રાયવરને માર મારીને ટ્રેકટર ટ્રોલીની લૂંટ કરી હતી. જો કે મોડાસા પાસે ટ્રેકટર ડ્રાયવરની હત્યામાં તેના સાગરિતો પકડાઈ જતાં અસલમ પોલીસની પકડથી બચવા અજમેર અને ત્યાર બાદ ગોવા ભાગી જઈને હોટલમાં કામ કરવા લાગી ગયો હતો. થોડા મહિના બાદ તે સુરત રેલવે સ્ટેશન ખાતે આવીને તેણે યુ.પી. બિહારનાા મજુરો સાથે વાતચીત કરી નોકરીની જરૂરિયાત હોવાનું કહીં હજીરા ખાતે એક કન્સ્ટ્રકસન કંપનીમાં મજુરી કામ કરવા લાગ્યો હતો. જો કે કંપનીમાં નોકરી માટે તેણે પોતાની ઓળખ છુપાવીને લાલાભાઈ કમલેશભાઈ પટેલ તરીકે પોતાની ઓળખ આપી હતી. ત્યાર બાદ સુરતની જુદી જુદી હોસ્પિટલોમાં ઓટી સ્ટાફ અને એક્ષરે ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષથી રાંદેર ખાતે આવેલી શેલ્બી હોસ્પિટલમાં કામ કરતો હતો. જો કે આરોપી અસલમ એક હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યારે ત્યાં નર્સ તરીકે કામ કરતી યુવતીને પોતાનું નામ લાલાભાઈ પટેલ હોવાનું કહીને પ્રેમલગ્ન કરી લીધા હતા. હાલ પ્રેમલગ્નથી તેને ત્રણ બાળકો પણ છે. પરંતુ તેની પત્ની હજુ પણ હકીકતથી વાકેફ નથી. ત્યારે આખરે એટીએસએ સિરિયલ કિલર અસલમ શેખને પકડી પાડયો છે. જો કે સુખી સંપન્ન પરિવારનો દીકરો હોવા છતાં તેણે લૂંટ સહિતના ગુનાનો માર્ગ કેમ અપનાવ્યો તે દિશામાં એટીએસએ તપાસ હાથ ધરી છે.

પિતાનો પેટ્રોલપંપ અને ટ્રેકટરની એજન્સી
છતાં દીકરો ગુનાના માર્ગે ચઢ્યો

સિરિયલ કિલર બનેલો આરોપી અસલમ સુખી પરિવારમાંથી આવે છે. તેના પિતાને બાલાસિનોરમાં પેટ્રોલપંપ અને ટ્રેકટરની એજન્સી હતી અને અસલમ એકનો એક પુત્ર હતો. જે સામાન્ય રૂા.રપથી ૩૦ હજારની રકમની લૂંટ માટે હત્યા કરતા પણ ખચકાતો ન હતો.