(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
શહેરમાં બે દિવસ બાદ આજે વધુ એક પાલની મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા હાલમાં મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરતમાં વધુ ૧૯ દર્દીઓને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીના મરકઝમાં જઈને આવેલા સુરત જિલ્લાના ૩૯ લોકોને કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં લોકડાઉનના ૧૦ દિવસ પૂર્ણ થયા છે. ત્યારે સુરત શહેરમાં દિન પ્રતિદીન કોરોના વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા સામે આવી રહી છે. શહેરના પાલ વિસ્તારમાં રહેતી ૬૧ વર્ષીય મહિલા રજનીબેન લીલાનીને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટમાં દાખલ કરવામાં આવી હતી. જેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેમાં કોરોના પોઝિટિવના આંક બાર થવા પામ્યો છે. જે પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જણા સારા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શનિવારે વધુ ૧૯ કેસો સામે આવ્યા છે કે, જેમણે શંકાસ્પદ કરોનાના લક્ષણો સાથે સારવાર માટે જુદી-જુદી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.જેમાં પાલમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા , વેડરોડમાં રહેતો સવા વર્ષનો બાળક , હિરાબાગ વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષીય સગીર , ભટાર રોડ પર રહેતો ૪૮ વર્ષીય યુવક મુંબઇથી આવ્યો હતો. આ ઉપરાંત કાપોદ્રામાં રહેતો ૨૨ વર્ષીય યુવકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ સરથાણામાં રહેતો અને મહેસાણાથી આવેલો ૨૨ વર્ષીય યુવક , કતારગામમાં રહેતી ૩૪ વર્ષીય મહિલાને પણ લક્ષણો દેખાતા સિવીલમાં ખસેડવામાં આવ્યા છે.
શહેરના પાંડેસરા ડી માર્ટ મોલમાં કામ કરતા યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા પરિવારજનોમાં ૨૦ વર્ષીય યુવક , ૭૫ વર્ષીય વૃધ્ધા , ૪૯ વર્ષીય આધેડ અને પાંડેસરામાં રહેતી ૪૦ વર્ષીય મહિલામાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેઓને નવી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વેસુમાં રહેતી ૮૩ વર્ષીય વૃધ્ધા , બેગમપુરામાં રહેતા ૬૫ વર્ષીય વૃધ્ધ , રાંદેરમાં રહેતો ૫૫ વર્ષીય આધેડ , વેડરોડમાં રહેતી ૨૮ વર્ષીય મહિલા અને પાંડેસરામાં રહેતો ૧૯ વર્ષીય બોમ્બેથી આવ્યો હતો. આમ આ તમામમાં લક્ષણો દેખાતા મિશન અને સિવીલમાં દાખલ કરાયા છે. ૧૯ પૈકી ૧૭ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યુ છે.
આમ સુરત શહેરમાં કુલ અત્યાર સુધી ૧૮૩ કેસો નોંધાઇ ચુકયા છે. જેમાંથી ૧૦ના રીપોર્ટ પોઝીટીવ આવી ચુકયા છે. જેમાંથી એકનું મોત નિપજયુ છે. જયારે સુરત જિલ્લામાં પણ બે પોઝીટીવ કેસો નોંધાયા છે. સુરતમાં હોસ્પિટલોમાં દાખલ થયેલા પૈકી આઠના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ સાથે નેગેટીવ દર્દીઓની સંખ્યામાં ૧૫૭ પર પહોંચી છે. જયારે હજુ પણ ૧૬ના રીપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત દિલ્હી મરકઝમાં હાજરી આપીને આવેલા સુરત જિલ્લાના ૩૯ લોકોને આરોગ્ય વિભાગે કોરોન્ટાઇન કર્યા બાદ આ તમામ લોકોના કોરોના વાયરસના તબીબી તપાસ માટેના નમુના લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.