(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
દેશમાં રૂા.૩,ર૦૦ કરોડના ટીડીએસ કૌભાંડનો આવકવેરા વિભાગે પર્દાફાશ કર્યા બાદ, સુરત આવકવેરા વિભાગે આ અંગેની તપાસ કંપનીઓમાં ફરી શરૂ કરી હોવાનુું જાણવા મળે છે. સુરત આયકર દ્વારા થોડા સમય પહેલાં જ ટીડીએસ સર્વે કરાયો હોવાના કારણે કંંપનીઓ દ્વારા ટીડીએસની રકમ નિયમિત પણ જમા કરાવાઈ રહ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશના આવકવેરા વિભાગ દ્વારા રૂા.૩,ર૦૦ કરોડનું ટીડીએસ કૌભાંડ શોધી કાઢ્યું છે. જેમાં કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ટેક્સ કાપી લેઇ તે નાણાં ટેક્સ આવકવેરા વિભાગમાં જમા કરાવાતો જ ન હતો. આ કંપનીઓએ કર્મચારીઓના કાપેલા ટીડીએસની રકમને પોતાના વ્યવસાયમાં જ ઇન્વેસ્ટ કરી દીધા અને કમાણી કરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ આંકડો એપ્રિલ ર૦૧૭થી લઇને માર્ચ ર૦૧૮ સુધીનો જ છે. આ કૌભાંડ બહાર આવતાની સાથે સુરત સહિત દેશના તમામ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તેમના સર્કલમાં ટીડીએસને લઇને તપાસ શરૂ કરી છે. સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા સમયાંતરે ટીડીએસ માટેના સર્વે કરવામાં આવી જ રહ્યા છે. જેને લઇને કંપનીના ડિરેક્ટરો દ્વારા સમયસર ટીડીએસ જમા કરાવી જ રહ્યા છે. પરંતુ હવે વિભાગે આક્રમક રૂપ ધારણ કર્યું છે. ટીડીએસની રકમ કર્મચારીઓ પાસેથી કાપીને તેને જમા ન કરાવનારા કંપનીના ડિરેક્ટરો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ પાસેથી જાણવા મળ્યા મુજબ ઇન્કમટેક્સ વિભાગની ટીડીએસ શાખાએ આ કંપનીઓ અંગે તપાસ શરૂ કરી દીધી છે અને કેટલાક કેસમાં તો વોરન્ટ પણ જાહેર કરી દીધું છે. ઇન્કમટેક્સ કાયદા અંતર્ગત આ મામલામાં ત્રણ મહિનાથી લઇને દંડ સહિત સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે. આરોપી કંપનીઓ અને માલિકો વિરૂદ્ધ ઇન્કમટેક્સ એક્ટ સેકશન ૨૭૬-બી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આયકર વિભાગ આઇપીસીની કલમ અંતર્ગત ગુનાની નોંધણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.