(સંવાદદાતા દ્વારા), સુરત.૬
એપીએમસીમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ માર્કેટને ૧૪મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ કરી દેવાનો ઝડપી નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે સુરતના ૭૫ લાખ લોકો પર સીધી અસર પડી છે. આ સંજોગોને પહોંચી વળવા માટે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી જેમાં માર્કેટને ફરીથી કાર્યાન્વિત કરવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે.
માર્કેટ સાથે સંકળાયેલા વેપારી, કારીગરવર્ગ અને ખેડૂતો માટે સાગમટે ૬૦૦૦ પાસ ઈશ્યુ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ઉપડ્યા પછી એપીએમસી પર હજારો લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું જેને કારણે સોશિયલ ડિસ્ટનશીંગનો મોટો ઈશ્યુ ઉભો થયો હતો. આ ભીડને દૂર કરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ થઈ જતાં પાલિકા કમિશનરે વિચાર્યા વિના જ માર્કેટને બંધ કરી દેવાનો નિર્ણય લઈ લીધો હતો જેને કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગઈકાલે સવારે નિર્ણય લીધા બાદ રાત્રે ૧૧ વાગ્યા સુધી શાકભાજીનો સ્ટોક ખલાસ થઈ જતાં અનેક લંગર અને ભંડારા ચલાવતા સેવાભાવી લોકો પણ અટવાઈ પડ્યાં હતા. અચાનક આવી પડેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાડી દીધું હતું જેમાં સુરત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય દર્શન નાયકે કલેક્ટર સાથે બેઠક યોજીને બ્લ્યુ પ્રિન્ટ આપી હતી. જેમાં તાલુકાના ખેતીવાડી અધિકારીઓને નોડલ ઓફિસર બનાવી વિવિધ તાલુકાઓમાં સેન્ટર આપવા અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે કલેક્ટર ધવલ પટેલે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો.
દરમિયાનમાં આજે બપોરે એપીએમસી માર્કેટના અધ્યક્ષ રમણ જાની, ખેડૂત આગેવાન સંદીપ દેસાઈ, સુમુલના પ્રમુખ રાજુ પાઠક સહિતના આગેવાનો સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવા બાંયધરી આપી છે.

એપીએમસી માર્કેટ બંધ કરી દેવાતાં
શાકભાજીના ભાવો આસમાને

સુરત, તા.૬
સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે એપીએમસી માર્કેટ બંધ કરાવી દેવાતા સુરત શહેરમાં સ્થાનિક શાકભાજી બજાર અને છુટક લારીવાળાઓ દ્વારા શાકભાજીના ભાવમાં બેફામ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. લોકડાઉનમાં લોકોની આવક બંધ થઇ ગઇ છે. બીજી તરફ મૂળભુત જરૂરિયાત શાકભાજીના ભાવો વધતા લોકો બરોબર અકળાયા છે.
કોરોના વાઈરસની સામેની લડતમાં લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવા છતા પણ લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે ભારે ભીડ કરતા હોવાથી સુરત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓએ લોકડાઉનનો અમલ કરવા માટે કડક પગલા ભરવાની જાહેરાત સાથે એપીએમસી માર્કેટ પણ બંધ કરાવી દેતા સુરત શહેરમાં શાકભાજીના ભાવોમાં અસહય ઉછાળો આવ્યો હતો. એક તરફ સરકાર શાકભાજી સહિતના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની સપ્લાય અટકાવવામાં નહીં આવશે, તેવી જાહેરાત કરે છે અને બીજી તરફ એપીએમસી માર્કેટ બંધ કરાવી દેવામાં આવે છે. આ નિર્ણયને કારણે શાકભાજીના ભાવોમાં વધારો થતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.