(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧પ
સુરત એરપોર્ટ નજીક ઝીંગા તળાવના કારણે વિમાનો સાથે બર્ડ હિટનો ખતરો વધતા જાય છે. એરપોર્ટ પર રોજ ૪૬ વિમાન ટેક-ઓફ અને લેન્ડિંગ કરે છે. જેને બર્ડ હિટથી બચાવવા માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેક ઓફ અને લેન્ડિંગ પહેલાં રોજ બર્ડ સ્કેર કેનન ગન્સથી ૧૫૦ ફાયરિંગ કરવામાં આવે છે. રોજ સવારે ૮૦ વખત ફાયરિંગ અને સાંજે ૬૦થી ૭૦ વખત ફાયરિંગ કરવામાં આવે છે. જેનાથી સાંજે બર્ડ હિટની સંભાવના ઘટી જાય છે. ફાયરિંગ કરવાથી પક્ષીઓ ઉડી જાય છે. ચાલુ વર્ષે ૬ જેટલાં બર્ડ હિટના બનાવો બન્યા છે.
સુરત એરપોર્ટના ડુમસ તરફના રનવે નંબર ૪ નજીક બહારના વિસ્તારમાં ઘણા ઝીંગા તળાવ આવેલા છે. જેનાથી આકર્ષિત થઈને મોટી સંખ્યામાં પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે. જેથી વિમાનો સાથે પક્ષીઓ અથડાવાનો ખતરો રહે છે. એરપોર્ટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઝીંગા તળાવો એરપોર્ટ માટે એક ખતરો બની ગયા છે. ફ્‌લાઈટમાં વધારો થયા બાદ દર ૬ મહિને થતી મિટિંગમાં ત્રણવાર કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવે છે. એરપોર્ટ પર લેન્ડીંગ દરમિયાન ડુમસ તરફ ફાયરિંગ કરવામાં આવે છે. જેથી પક્ષીઓ ઉડી જાય છે. ઉપરાંત દર મિનિટે ફાયરિંગ કરવામાં આવે છે. સવારે ૬થી ૧૧.૩૦ કલાક સુધી અંદાજે ૮૦ ફાયરિંગ કરવામાં આવે છે. જ્યારે બપોરે ૩થી સાંજના ૭.૩૦ કલાક સુધીમાં ૬૦થી ૭૦ ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સાંજ પડી જતા બર્ડ હિટની સંભાવના ઘટી જાય છે. આ સમસ્યાના સમાધાન માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રનવેની બંને તરફ પાંચ બર્ડ સ્કેર કેનન ગન્સ લગાવવામાં આવી છે. સાથે જ વાઈબ્રેટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત એરપોર્ટ તંત્રએ બર્ડ હિટના ખતરાને લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસે મદદ માંગી હતી. જેનો ઉદ્દેશ્ય એ હતો કે, પ્રોફેસરોની મદદથી એરપોર્ટમાં વધેલું ઘાસ અટકાવી અને તેમાં રહેતી જીવાતને મારવાનો હતો. જો કે, આ બાબતે વધુ કામગીરી થઈ નથી. સુરત એરપોર્ટના રનવેની આસપાસ લગાવવામાં આવેલી પાંચ બર્ડ સ્કેર કેનન ગન્સની કિંમત ચાર લાખ રૂપિયા છે. જે પૈકી એક ગન ઈક્વિપમેન્ટની કિંમત ૮૦ હજાર રૂપિયા છે. જેમાં એલપીજી ગેસ સિલિન્ડર લગાવવામાં આવે છે. ૨૦ દિવસે પાંચ બર્ડ સ્કેર કેનન ગન્સના સિલિન્ડર બદલવા પડે છે. આ કામ માટે દર મહિને ૭૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. જોકે, આ સિસ્ટમમાં કોઈ ખરાબી આવે તો પણ બેથી ત્રણ હજારનો ખર્ચ થાય છે. સિસ્ટમના મેન્ટેનન્સ માટે મહિને ૧૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. બર્ડ સ્કેર કેનન ગન પશુ કે પક્ષીઓને ભગાડવા માટેનું એક મશીન છે. જેમાંથી ગોળી નહીં પણ માત્ર ગોળી છૂટી હોય તેવો મોટો અવાજ આવે છે.
એક ધારાસભ્યએ ગેરકાયદે ઝિંગા તળાવોને રક્ષણ આપ્યું
તાજેતરમાં જ કલેક્ટર કચેરી દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવતા સુરત સિટીના એક ધારાસભ્યએ ઝિંગા તળાવના માલિકો પાસેથી રૂપિયા ઉઘરાવીને મામલાને લંબિત કરી દીધો હતો. રાજ્ય સરકારના સિનિયર મંત્રીઓની દખલગીરીથી ગેરકાયદે ઝિંગા તળાવોને તુટતા અટકાવી દેવામાં આવ્યા હતા પરંતુ આ તળાવો બચાવવામાં ધારાસભ્યએ તગડી કમાણી કરી લીધી હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે.