(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
એરપોર્ટ પરથી વધુ એક વખત દાણચોરી સાથે આવેલા એક ઇસમને કસ્ટમ અધિકારીઓએ ઝડપી પાડ્‌યો છે. શારજાહથી સુરત આવેલી ફ્‌લાઈટમાંથી દાણચોર પાસેથી સોનાની કેપ્સૂલ મળી આવતા કડક પૂછપરછ હાથ ધરાઈ છે. કસ્ટમ વિભાગની તપાસમાં ઝડપાયેલા યુવક પાસેથી ૨૦૦ ગ્રામ સોનાની કેપ્સૂલ મળી આવી છે. જેની કિંમત ૯ લાખ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે.
સુરત એરપોર્ટ પર શારજાહની ફલાઇટ જયારથી શરૂ થઇ છે ત્યારથી સોનાની દાણચોરીના બનાવો દિન પ્રતિદીન વધી રહ્યાં છે. સોનાની દાણ ચોરીના પગલે કસ્ટમ વિભાગ પણ ખુબ જ સક્રિય બન્યું છે. છેલ્લાં ત્રણ મહિનામાં કસ્ટમ વિભાગે ચારથી પાંચ યુવાનોને દાણચોરી કરતાં રંગેહાથ પકડી પાડ્‌યા છે. સુરત એરપોર્ટ દાણચોરો માટે મનગમતુ શહેર બની ગયુ છે. ગુરૂવારે આવેલી શારજાહની ફલાઇટમાંથી ઉતરેલા એક યુવકની હિલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગે તેને અટકાવ્યો હતો. તેના શરીરનું સ્ક્રેનીંગ કરતાં સોનાની કેપ્સુલ મળી આવી હતી. કસ્ટમ વિભાગે સોનાની કેપ્સુલનું વજન કરતાં ૨૦૦ ગ્રામ હોવાનું સામે આવ્યુ હતુ. તેની બજાર કિંમત રૂા.૯ લાખ હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે પૂછપરછ કરતાં વરાછા વિસ્તારમાં રહેતો સંજય અથવા મુંબઇનો શાદાબ ખાન હોવાનું જાણવા મળ્યું છે. હાલ કસ્ટમ વિભાગે યુવકની વધુ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.