(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
શહેરમાં વસતા ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરતમાં વસતા રત્ન કલાકારોએ મોટી સંખ્યામાં એસટી દ્વારા વતન જઈ રહ્યા છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની વ્યવસ્થા કરી છે. જેને પગલે ખાલી એસટી બસોનો ૨.૭ કિમીના વરાછા ઓવરબ્રિજ પર ખડકલો થઈ ગયો હતો. ત્યારબાદ તબક્કાવાર રત્નકલાકારોને એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા.
વતન જવા એસટી બસ મેળવવા માટે હજુ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લંબે હનુમાન ડેપો ઉપરથી કામગીરી ચાલી રહી છે. એસટી બસનું બુકીંગ કરનારાઓ મંજૂરીને આધારે બસ મેળવવા માટે ડેપો ઉપર બેથી ત્રણ જણા એક સાથે આવતા હોવાથી ડેપો બહાર ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે ,ડેપોની અંદર ભારે ભીડ નહીં થાય અને અંધાધૂધી ન સર્જાય તે માટે પોલીસ વિભાગ તરફથી ટોકન આધારે એન્ટ્રી આપવાનું શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી મેળવવામાં આવી છે. નિગમ રોજની સરેરાશ ૫૦૦થી વધુ બસો ઉપાડી રહ્યું છે. છેલ્લા આઠેક દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસની સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્યો તરફથી કરવામાં આવી છે.
સુરત એસટી નિગમ રોજની સરેરાશ ૫૦૦થી વધુ બસો ઉપાડી રહ્યું છે

Recent Comments