(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ડૉ.નેહલ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેણીને નવસારીની યશફીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણી સાજી થઇ જતાં ગતરોજ હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કેટલાક કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા આ હોસ્પિટલને કેટલાક દિવસ માટે સીલ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.નેહલ પટેલ કે જેઓ નવસારી જિલ્લા અંબાડા ગામના મૂળ વતની છે તેઓ પણ કોરોનાના રોગમા સપડાયા હતા. જેમને સારવાર માટે નવસારીની યશફીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલા ડોક્ટરનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેણીને ગતરોજ યશફીન હોસ્પિટલના સંચાલકોે તથા અન્ય સ્ટાફ દ્વારા તાળીઓ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉપરાંતના યશફીન હોસ્પિટલમાં જ સારવાર લઇ રહેલી કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા આજે પ્રસૃતિ કરાવવામાં આવી હતી. ગુજરાતના આજના સ્થાપના દિવસે આ સગર્ભા મહિલા દર્દીએ યશફીન હોસ્પિટલમાં તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.