(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૫
અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યું હોવાથી ચારે તરફથી ઘેરાયેલી પાલિકાએ ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને ૨૦૧૮ બેડની સુવિધા કરી છે.
કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા હવે ખાનગી હોસ્પિટલમાં પણ પાલિકા દ્વારા સારવાર શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યાં છે. સિવિલ, સ્મીમેર એ સિવાય પણ વ્યવસ્થા કરાઈ છે. પ્રાઇવેટના જનરલ વોર્ડમાં પણ દર્દીની તમામ વ્યવસ્થા મનપા કરી આપશે. એમઓયુકરેલી હોસ્પિટલના બેડ જો દર્દી ન આવે તેમ છતાં ખાલી રખાશે. એનો ચાર્જ પાલિકા હોસ્પિટલને ચૂકવશે. જેથી કોરોના દર્દી માટે આ ૩૭ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ રહેશે. મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, એક પણ લક્ષણ ન હોય એવા પણ કોરોના દર્દી હોય છે. કેટલાક દર્દીને લક્ષણ હોય છે. તો કેટલાક ગંભીર હોય છે. એવા દર્દીઓના અલગ અલગ સ્ટેજ હોય છે. એટલે એવા લોકો માટે કેર એટ હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આઇસોલેશનની ઘરે વ્યવસ્થા હોય એક સભ્ય દર્દીને કેર લેવા તૈયાર હોય તો એવા દર્દીને ઘરે ટ્રીટમેન્ટ માટે મંજૂરી અપાઈ છે. ૧૦૫ ધનવંતરી રથ ડોક્ટરની ટીમ સાથે વિવિધ વિસ્તારમાં ફરશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા મનપા દ્વારા અભિયાન શરૂ કરાશે. કતારગામ ઝોનથી ઉકાળાની શરૂઆત થશે. જેમાં સુરતવાસીઓને પણ જોડાવા મનપાએ વિનંતી કરી છે. પાલિકાના મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, બીક અને જાણકારીના અભાવે મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા તેવા બનાવોના કારણે ગંભીરતા વધી જાય છે. ૧૦૪ની સેવા સારી રીતે કામ કરે છે. ૧૦૪ પર રાઉન્ડ ધ ક્લોક જાણ કરે. પાલિકાની ટીમ સંપર્ક કરશે એટલે ડોક્ટરની ટીમ ઘરે જઈ ચેકઅપ કરશે અને દવા આપશે પછી ડોક્ટરને જરૂરી લાગશે તે પ્રમાણે દવા આપશે કે હોસ્પિટલ જવું પડે તો તે પણ કરવું પડશે. પાલિકાની આ સેવા દ્વારા દર્દીએ ક્યાંય જવું પડશે નહી પાલિકા સામેથી તેમના ઘરે પહોંચશે.

પાલિકા રોજના ૫૦૦ ટેસ્ટિંગ કરે છે

સુરત મહાનગરપાલિકાની હદમાં કોરોના બેકાબૂ બન્યો હોવાથી પાલિકાએ દર મિલિયન દીઠ ૪૦૦૦ ટેસ્ટિંગ શરૂ કર્યાં છે. રોજના ૫૦૦ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે જેમાં દરરોજ ૧૦૦ની આસપાસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, સારા થનારા દર્દીઓની સંખ્યા પણ ખૂબ વિશાળ હોવાથી સુરતીઓને ચિંતા કરવાની જરૂર નથી એમ પાલિકા કમિશનરે ઉમેર્યું હતું.