(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૩૦
માંગરોળ તાલુકાના વેલાવી ગામે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૧૪ કરોડ, ૯૩ લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતી હોસ્ટેલની ઈમારતની લોકાર્પણવિધિ તથા સુરત જિલ્લાનો જિલ્લા કક્ષાનો ૬૯માં વન મહોત્સવનું આયોજન હોસ્ટેલના પટાંંગણમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ તથા રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહ્યા હતા.
આ બન્ને મંત્રીઓના હસ્તે હોસ્ટેલની નવી ઈમારતની લોકાર્પણવિધિ રિબીન કાપીને તથા તકતીનું અનાવરણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત જિલ્લાના જિલ્લા કક્ષાનો ૬૯મા વન મહોત્સવ પ્રસંગે હોસ્ટેલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ડૉ.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પારેખ, નાયબ વન સંરક્ષક પુનીત નાયર, દિલીપસિંહ રાઠોડ, જગદીશ ગામીત પ્રીતિબેન પટેલ દિપકભાઈ વસાવા, દિલીપસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

કોંગી આગેવાનોને રાત્રીના જ નજર કેદ કરી લેવાયા

આજના આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહેવાના હતા. કાળાવાવટા બતાવી વિરોધ કરવાનો કાર્યક્રમ કોંગી આગેવાનોએ ગોઠવ્યો હતો પરંતુ પોલીસે રાત્રીના બાર વાગ્યે જ કોંગ્રેસના આગેવાનો સામજીભાઈ ચૌધરી, એડ. બાબુભાઈ ચૌધરી રૂપસિંહ ગામીત, શાહબુદ્દીન મલેકના નિવાસસ્થાને બે-બે પોલીસ જવાનો મૂકી દઈ નજર કેદ કરી લીધા હતા.