(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧પ
સુમુલ ડેરીનાં સહકારથી અગાઉના શાસનમાં સુરત અને તાપી જિલ્લાઓની અનેક દૂધ મંડળીઓના લાભાર્થીઓને નાબાર્ડ યોજના અંતર્ગત ૩૩ ટકા સબસીડીવાળી લોન આપવામાં આવી હતી.
આજે આ લોન આપવાના છ-સાત વર્ષનો સમય ગાળો વીતી ગયો છે. છતાં લોન લેનાર દૂધ મંડળીના સભાસદોનાં ખાતામાં ૩૩ ટકા સબસીડીથી રકમ જમા થઈ નથી. હવે માત્ર સુરત જિલ્લાની માંગરોળ, ઉમરપાડા તાલુકા સહિત અંદાજે ૧૦૧ દૂધમંડળીઓ બંધ થવાની સાથે ફડચામાં જવાની તૈયારી કરી રહી છે. પરિણામે આ દૂધ મંડળીઓ ફડચામાં ન જાય એ માટે લોન લેનાર સબસિડીઓને મળવા પાત્ર ૩૩ ટકા સબસીડીની રકમ ખાતામાં જવા થવી જોઈએ. જેથી દૂધમંડળીઓને લોનમાંથી મુક્તિ મળે.
એ માટે આગામી તા.૧૮/ર/૧૯ના સોમવારના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે એક આવેદનપત્ર ટ્રાયબલ સબપ્લાન, માંડવીની કચેરીને આપવાનું નક્કી કરાયું છે. જેમાં સુમુલના ડિરેકટર અરવિંદ ગામીત જ્યેશભાઈ પટેલ (દેલાડવાલા) પ્રવિણ ગામીત (વ્યારા), સુમુલના માજી ચેરમેન માનસિંગ પટેલ, લડત સમિતિના કન્વીનર અને માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી હાજર રહેશે.