(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
સરકારી જમીનમાં કરાયેલા દબાણો દૂર કરવા રાજ્ય સરકારે આદેશ આપેલ હોવાથી, તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને પોતાના કાર્યક્ષેત્રમાં ગૌચર તેમજ સરકારી જમીનો પર થયેલ દબાણની કામગીરીની સમીક્ષા કરવાની રહેશે અને સર્કલ ઇન્સપેક્ટરે પોતાના વિસ્તારમાં આવેલ દબાણો શોધવાના હોય છે. આમ છતાં સુરત જિલ્લાના જમીન માફિયાઓ દ્વારા ગૌચર તેમજ સરકારી પડતર જમીનો પર દબાણો કરી જમીન પચાવી પાડવામાં આવી રહી છે. જે અંગે સુરત જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ગૌચરની જમીન પર દબાણો થતાં ગૌચરનું અસ્તિત્વ રહ્યું નથી જેથી પશુઓ માટે ચરીયાણનો પ્રશ્ન સર્જાયો છે. ગૌચર તેમજ સરકારી પડતર જમીનો પર દબાણોને દુર કરવામાં ગ્રામ પંચાયતો જ રાજકીય કારણોસર નિષ્ક્રિયતા દાખવી રહી છે. દબાણો દુર કરવા માટે પંચાયત પાસે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ ૧૦૫ (૬) (૭) મુજબ સત્તા છે. આમ છતાંય ગ્રામ પંચાયતો દબાણો દુર કરતી નથી. સરકારે જિલ્લા વિકાસ અધિકારીઓને સુચના આપી છે કે, જો ગ્રામ પંચાયતદબાણો દુર કરવામાં ઢીલ દાખવે અથવા નિષ્ક્રિય રહે તો, પંચાયત અધિનિયમ કલમ (રપ૩) મુજબ સુપરસીડ કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયતને સુપરસીડ કરવા વિકાસ કમિશ્નરને દરખાસ્ત મોકલી આપવાની રહેશે.સુરત જિલ્લાના ઘણી સરકારી જમીનો ઉપર જમીન માફિયાઓ તેમજ રાજકીય વધ ધરાવતા મોટા માથાઓએ બિન અધિકૃત રીતે ઝીંગા તળાવો બનાવી દબાણો કરેલ છે,ગૌચરની જમીનો પર પણ આ પ્રકારનું દબાણ છે જે અંગે અગાઉ લેખિત ફરિયાદ પણ મારા દ્વારા કરવામાં આવેલ છે પણ તેની પર કાર્યવાહી કરવામાં સરકારી તંત્રને કોઇ રસ નથી. જે ગામની ગૌચર તેમજ સરકારી જમીન પર આવી રીતે દબાણ જણાઇ આવે તો તે ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી પર કાયદેસરના કઠોર પગલા ભરવા જોઇએ તેમજ ગ્રામ પંચાયતને સુપરસીડ કરવી જોઇએ. ખરેખર તો ગામના ગરીબ લોકોને આ જમીનો ફાળવવી જેથી રોજી -રોટી મળી શકે તેમજ ગામના પશુઓને ચરિયાણ પ્રશ્ન ઉકેલ થાય, મુંગા પશુઓને પુરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે. ગામના પશુપાલકો તેમના દુધાળા પશુઓનું દુધનું વેચાણ કરી પોતાની આજીવીકા નિભાવી શકે.જેથી તાત્કાલીક અસરથી ગૌચર તેમજ સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરી કસુરવાર સામે પગલા ભરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.