(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
દક્ષિણ ગુજરાતમાં ગતરોજ દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ ફરમાવ્યા બાદ સવારે મળસ્કે જિલ્લાના છ તાલુકામાં નોંઘ પાત્ર જયારે ત્રણ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત તાપી જિલ્લામાં નિઝર સિવાસ સામાન્ય ઝાપટા જયારે અન્ય નવસારી ડાંગ અને વલસાડ જિલ્લો કોરોકટ રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં મોન્સુન ૠતુનો બે દિવસથી સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે ખેડૂતો પણ વાવણી લાયક વર્ષા થતા વાવણીના કાર્યમાં જોતરાઈ ગયા છે. મળસ્કે ચાર વાગ્યાથી સુરત અને તાપી જિલ્લામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી ચોર્યાસીમાં દોઢ ઈંચથી વધુ અર્થાતે ૩૮ મી.મી, કામરેજમાં બે ઈંચથી વધુ અર્થાત ૫૪ મી.મી, મહુવામાં પોણો ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ, ઓલપાડમાં બે ઈંચ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઈંચ અને ઉમરપાડામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જયારે તાપી જિલ્લામાં કુકરમુંડામાં અડધો ઈંચ. નિઝરમાં ૪૫.મીમી, વ્યારા, વાલોડ સોનગઢ અને ઉચ્છલમાં હળવા ઝાપટા પડ્‌યા હતા. નવસારીમાં જલાલપોરમાં ૭ મી.મી, નવસારીમાં ૧૪ મી.મી, જયારે અન્ય તાલુકા કોરાકટ રહ્યા હતા. વલસાડ અને ડાંગ જિલ્લામાં આજે પણ મેઘરાજા વરસ્યા નથી. ઉપરાંત તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈડેમની બપોર ૧૨ વાગ્યે સપાટી ૩૧૮.૧૭ ફુટ અને આજનું રૂલ લેવલ ૩૨૧ ફુટ નોંધાયું છે.