ખોલવડ, તા.રર
સુરત જિલ્લામાં બેફામ બનેલા રેતીચોરોને નાથવા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીએ શરૂ કરેલ અભિયાનમાં માંડવી બલાલ તીર્થમાં પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રિના ત્રાટકી ત્રણ નાવડીઓ પકડી ફરીથી ઉપયોગમાં ન લેવાઈ તેવી કરી આપી હતી. કામરેજના અબ્રામા-ગાય પગલા વિસ્તારમાં બે ટ્રક અને એક હાઈવા પકડી ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે લીધા હતા. ભૂસ્તર શાસ્ત્રી ટી.જે.પટેલ, સુપરવાઈઝર જિગ્નેશ કાછીડયા, એહસાન અલી સહિત સ્ટાફ સાથે બુધવારની રાત્રિના માડવીના બબાલ તીર્થ ખાતે રાત્રિના નદીમાં ઉતરી ત્રણ બાજુ નાવડીઓ પકડી હતી અને રાત્રીના ગેસ કટર જેવા સાધનો વડે ત્રણેય નાવડીઓને બિનઉપયોગી બનાવી દેવામાં આવી હતી.
ગતરાત્રીના કામરેજના અબ્રામા ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં એસ એન્ડ ટીના નવા બ્રિજ પાસે એક હિટાચી મશીન અને એક ટ્રક નંબર જીજે૦પ-એએફ-ર૬૦૩ પકડી પાડ્યા હતા.
બીજી તરફ કામરેજના કરજણ ગાય પગલા રોડ ઉપર રોયલટી વગરની મોર ભરેલી ટ્રક નંબર જીજે.૦પ બીવી-૮૦૪૮ પકડી પાડી હતી ડ્રાઈવરને નામ પૂછતા માલિકનું નામ લાલુભાઈ કામરેજ હોવાનું જણાવ્યું હતું. ભૂસ્તર કચેરીના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.