સુરત, તા.૬
નવસારી બજાર ગોપીતળાવ પાસે ગઈકાલે ભરાયેલા રવિવારી બજારમાં ખરીદી કરવા માટે ગયેલા લોકોની ભીડંનો લાભ ઉઠાવી ટોળકીએ છ મહિલાઓના મોબાઈલ ચોરી કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં પહોંચી છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ બેગમપુરા દુધારા શેરીમાં રહેતા આશીતા રૂષિ પટેલ (ઉ.વ.૩૦) ગઈકાલે નવસારી બજાર ગોપીતળાવની પાછળ ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. તે વખતે લોકોની ભીંડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યાઓએ આશીતાબેનને પર્સમાંથી એમ્પો કંપનીનો મોબાઈલ ચોરી નાસી ગયા હતા. આશીતાબેનની સાથે અન્ય પાંચ મહિલાઓના પણ ફોન ચોરાયા હતા. ટોળકી કુલ રૂપિયા ૬૨ હજારના મતાની મોબાઈલ ચોરી નાસી ગઈ હતી. બનાવ અંગે આશીતાબેનની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, રવિવારી બજારમાં મોટાભાગે મહિલાઓ જ ખરીદી કરવા માટે આવે છે અને મોબાઈલ પણ મહિલાઓના જ ચોરાયા છે જેથી ચોરીમાં મહિલા ગેંગની સંડોવણી હોવાની આશંકા સાથે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા રંગઅવધુત સોસાયટીની સામે સાંઈધામ પેલેસમાં રહેતા વેપારી ચિરાગ કનૈયાલાલજી અગ્રવાલ (ઉ.વ.૨૬) ગત તારીખ ૨જ જાન્યુઆરીના રોજ ઘર પાસેથી પસાર થતો હતો. તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાથમાંથી રૂપિયા ૧૫ હજારની કિંમતનો એપલ કંપનીનો આઈફોન-૬ ઝુટવી નાસી ગયા હતા. જ્યારે બોમ્બો માર્કેટની પાછળ ખાડી મહોલ્લોમાં રહેતા સુમિત સંજય ચૌહાણ (ઉ.વ.૨૦) ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ઘર પાસે આવેલ જાહેર શૌચાલય પાસેથી બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાથમાંથી રૂપિયા ૭ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા. જ્યારે વેસુ સુડા આવાસમાં રહેતા મહેશકુમાર ગોવિંદપ્રસાદ વર્મા (ઉ.વ.૪૫) રસોઈકામ કરે છે. મહેશકુમાર ગત ૨૯મી ડિસેમ્બરના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે ઘર પાસે આવેલ પાણીની ટાંકી પાસે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ હાથમાંથી રૂપિયા ૩ હજારની કિંમતનો મોબાઈલ ઝુટવી ભાગી ગયા હતા જ્યારે અઠવાલાઈન્સ મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષવર્ધન ગિરધારીલાલ કોટિયાલ (ઉ.વ.૬૯) ગઈકાલે સવારે મોર્નિંગ વોકમાં જાગસ પાર્ક પાસેથી પસાર થતા હતા. તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેમના હાતમાંથી રૂપિયા ૯ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ આંચકી નાસી ગયા હતા.