સુરત, તા.૩
સુરત જિલ્લામાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. જ્યારે કાપોદ્રામાં વિદ્યાર્થી, પુણામાં ચાર રાહદારીઓ અને કતારગામમાં યુવકના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયાની ફરિયાદ પોલીસ મથકમં નોંધાઈ છે અને કાપોદ્રા અને કતારગામમાં મોબાઈલ સ્નેચરોને ઝડપી લોકોએ મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ શહેરના કતારગામ નવી જીઆઇડીસીના કારખાનામાં નોકરી કરતા અને ધાબા ઉપર સુતા શેખ શાહરૂખ ઉર્ફે મો.નાવેલ આલમ તા.૨જી જૂનના રોજ રાત્રિના સમયે મીઠી નીંદ્રા માણી રહ્યો હતો. તે દરમિયાન એક ચોર ધાબા ઉપર ધસી ખિસ્સામાંથી મોબાઈલ આંચકી લેતા શાહરૂખ જાગી ગયો હતો. જેથી શાહરૂખે બુમાબુમ કરતા પકડાઈ જવાના બીકે ચોર ભાગવા જતા દાદરનો એક પગથીયું ચૂકી જતા તે નીચે પટકાયો હતો. પરિણામે દોડી આવેલા લોકોએ તેને પકડી મેથીપાક ચખાડી કતારગામ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે પુછપરછ કરતા કોસાડ આવાસમાં રહેતા સુફીયાન યાકુલ સૈયદ હોવાનું જણાવ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં શહેરના કાપોદ્રા રાજેશ્વરી સોસાયટીમાં રહેતો ૧૭ વર્ષીય ધાર્મિક રઘુભાઈ દેસાઈ તેનો મિત્રો કેયુ નરેશ ડાહ્યા અને ઉર્વિશ અશોક સાંગાણી ખોડિયારનગર સર્કલના નાકે બેઠા હતા. ત્યારબાદ ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રાજેશ્વર સોસાયટીના ગેટ પાસેથી ધાર્મિક મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. ત્યારે બાઈક પર ત્રાટકેલા બે સ્નેચરોએ તેના હાથમાંથી રૂ.૩ હજારનો મોબાઈલ આંચકી લીધો હતો. ત્યારબાદ ઠાકોર દ્વાર સર્કલ તરફ ભાગતી વખતે સ્નેચરની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં એક સ્નેચર ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે બીજા લોકોના હાથે પકડાઈ ગયો હતો. લોકોએ મેથીપાક ચખાડી કાપોદ્રા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે સ્નેચરનો કબજો લઈ પુછપરછ કરતા કાપોદ્રા રવિપાર્ક સોસાયટીમાં રહેતો કૈલાશ મોહનલાલ જાદવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાગી ગયેલા સાથીદારનું નામ રાજા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે મૂળ રાજસ્થાન નાગોર જિલ્લાના ખીવસર તાલુકાના દેવુગામના વતની અને હાલ લિંબાયત દેવધગામ સ્થિત આનંદી હાઈટ્‌સમાં રહેતા પુનારામ જાલુરામ પ્રજાપતિ તા.૨જી જૂનના રોજ રાજસ્થાન જવા માટે ઘરેથી રેલવે સ્ટેશન તરફ નીકળ્યા હતા. તે દરમિયાન પુણા આઈમાતા સર્કલ પાસે બાઈક પર ત્રાટકેલા બે સ્નેચરોએ તેમના ખિસ્સામાંથી રૂ.૧૦ હજારનો મોબાઈલ આંચકી ધૂમ સ્ટાઈલમાં ભાગી છૂટ્યા હતા. જ્યારે યુપી કાનપુર જિલ્લાના કીદવયનગરના વતની અને હાલ પુણા નેચરવેલી માં રહેતા અને નોકરી કરતા શ્યામકૃષ્ણ ચંદ્રકાંત મિત્ર સાથે પરવટ પાટીયા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભા હતા તે દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ બંને મિત્રના ખિસ્સામાંથી રૂ.૨૫ હજારની રોકડ ભરેલા બે પર્સ ચોરી લીધા હતા. જોકે પોલીસે ઉધના અમનનગરમાં સોસાયટીમાં રહેતો રઈશ ફીરોઝ શેખ નામના જેબકતરાને ઝડપી પાડ્યો હતો જ્યારે પુણા કુંભારિયા ગામ રઘુવીર માર્કેટની બાજુમાં રહેતા અને નોકરી કરતા મધુકરભાઈ અમરસિંગ વસાવા સરદાર માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા માટે ગયા હતા. તે દરમિયાન માર્કેટમાં ભીડ વધુ હોવાને કારણે ગઠિયાઓએ તેની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂ.૪ હજારનો મોબાઈલ ચોરી કરી ભાગી ગયા હતા. હાલ પોલીસે બનાવો સંદર્ભે વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.