(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતાં ૬૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળને શ્રીગણેશ કર્યા હતા. પગાર વિસંગતતા સહિતના મુદ્દે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વહેલી સવારે સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠાં થઇને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓની રજૂઆત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે જિલ્લામાં આવેલા ૫૭ આરોગ્ય કેન્દ્ર અને ૩૭૩ પેટા આરોગ્ય કેન્દ્રોની કામગીરી સંદતર ખોરવાઇ જવા પામી છે.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના કર્મચારી મંડળના પ્રમુખ અશ્વિનભાઇ પટેલે આ સંદર્બે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લા પંચાયતમાં છ અલગ-અલગ કેડરમાં કાર્યરત નર્સ, મલ્ટીપપર્ઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, લેબો. ટેક્નીશિયન અને મેલ-ફિમેલ સુપરવાઇઝરો સાથે વેતન વિસંગતતા સહિત વિવિધ પડતર માંગણીઓ મુદ્દે ધરાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે અવાર-નવાર રજૂઆતો અને વિરોધ પ્રદર્શન છતાં સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો હકારાત્મક અભિગમ ન દાખવવામાં આવતાં અંતે આજરોજ ૬૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ કરવામાં આવ્યો છે.