(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડામાં થયેલા ગોળીબાર પ્રકરણમાં કામરેજ પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી. જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાજપ અગ્રણી હિતેન્દ્રસિંહ કિશોરસિંહ વાંસિયાના પુત્ર કૃણાલસિંહના લગ્ન કામરેજ તાલુકાના પાલી ગામે ગત રવિવારના રોજ યોજાયા હતા. લગ્ન પ્રસંગ નિમિત્તે રવિવારની રાત્રિએ કૃણાલસિંહનો વરઘોડો નીકળ્યો હતો. તે સમયે ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસિયા તેની પત્ની રીટાબેન અને પુત્ર કૃણાલ સિંહએ વારાફરતી હવામાં અનેકવાર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ કરતો વીડિયો સોમવારે સવારથી જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ રાજકીય અને સામાજિક માહોલમાં ગરમાટો આવ્યો હતો. બીજી તરફ ડી.એસ.પી. એ.એમ. મુનિયા તથા કામરેજ પોલીસે જરુરી તપાસ શરૂ કરી હતી. કામરેજ પોલીસે આ ફાયરિંગ પ્રકરણ ચોપડે જાણવા જાગ ફરિયાદ દાખલ કરી હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ રતિલાલ વધુ તપાસ શરૂ કરી હતી.