(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત જિલ્લાપંચાયતમાં છેલ્લા બે વર્ષના ભાજપના શાસન દરમિયાન સદસ્યોના ગ્રાન્ટના કામો ન થવા તેમજ પદાધિકારીઓ અને સભ્યોની અધિકારીઓ દ્વારા થઇ રહેલી ઉપેક્ષાનો મામલો આજની સામાન્ય સભામાં ચમક્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે ઉમરપાડા તાલુકા પંચાયતની આગનો મુદ્દો, દાંડીમાં બોગસ પ્રમાણપત્ર બનાવ્યા બાદ તલાટી સામેની ફરિયાદ પરત ખેંચી મુદ્દો દબાવી દેવો, ખરીદ સમિતિનું અમલીકરણ અને દિવ્યાંગોના કાર્યક્રમોમાં દિવ્યાંગો બાબતે તેમની સાથે અમાનવીય વર્તન, જિલ્લા પંચાયત પરિસરમાં ચરસ ગાંજાના વેચાણના મુદ્દા ફરી ઉછાળીને શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજની સભામાં સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસંબાના મહિલા સદસ્ય યાસ્મીનબેને આક્ષેપ કર્યો હતો કે,અધિકારીઓ ગ્રાન્ટના કામોનો જવાબ આપતા નથી. જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક સવાલના પૂરક પ્રશ્ન અનીલ પટેલે પૂછતા ડીડીઓ અને અનિલ પટેલે વચ્ચે ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. જો કે, આજની સામાન્ય સભામાં કોઇ મહત્વના એજન્ડા પરના કામો હતા નહી જો કે આચાર સંહિતાને લઇને મુલતવી રહેલી સામાન્ય સભા આજે યોજવાની ફરજ પડી હતી જોકે, આચાર સંહિતાને લઇ કારોબારીની સત્તા ડીડીઓને સોંપાઇ હતી. જે આજની સામાન્ય સભામાં આ સત્તા પુન : કારોબારી અધ્યક્ષને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત સભ્યદર્શન નાયકે પુછેલા ૧ર સવાલ પૈકી ૧૦ સવાલોનો શાસક પક્ષ દ્વારા જવાબ આપવાનું ટાળી છેડ ઉડાડી દેવાયો હતો. જોકે અપેક્ષા મુજબ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક પક્ષના નિજના સભ્યો પ્રથમવાર વહીવટ સામે બળાપો વ્યક્ત કરતા શાસક પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું. ઉપરાંત ડીડીઓએ સભ્ય અનીલ પટેલને માહિતી માટે આર.ટી.આઇ. કરવાનું જણાવતા એક સમયે સામાન્યસભામાં ગરમાગરમીનો માહોલ સર્જાવા સાથે ડીડીઓની વર્તણુક મામલે તમામ સદસ્યોમાં નારાજગીનો સુર ફેલાયો હતો.
ધારાસભ્યોનું બહુમાન કરાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઝંખના પટેલ, મોહન ઢોડિયા પટેલ, મુકેશ પટેલ અને વી.ડી.ઝાલાવાડીયા હાજર રહ્યા હતા. જોકે, માંડવી ધારાસભ્ય, આનંદ ચૌધરી, ગણપત વસાવા અને મંત્રી ઇશ્વર પરમારની સુચક ગેરહાજરી રહી હતી.