(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરત શહેરના વરાછા વિસ્તારમાં તસ્કરોએ સિમેન્ટની ગુણો ભરેલ ટ્રકની જીપીએસ સિસ્ટમ કાઢી નાંખી ટ્રકને અવાવરુ જગ્યાએ લઇ જઇ ટ્રકમાંથી ર૦૦ ગુણ સિમેન્ટની ચોરી કરી ટ્રક છોડી નાસી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. હાલ શહેરના સુમુલ ડેરી રોડ સ્થિત ગુણાતીતનગર અલકાફુરીમાં રહેતા ૪૨ વર્ષીય વિનયકુમાર માયાશંકર મિશ્રા છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત ૧૦ માર્ચના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના આસપાસ બોમ્બે માર્કેટની સામે પાર્ટીયાલ નજીક ખુલ્લી જગ્યા પર જીજે ૦૫ વાયવાય ૮૩૫૯ ટ્રકમાં ૬૦ હજારની કિંમતની ૨૦૦ ગુણ સિમેન્ટ લોડ કરી હતી. રાત્રીના સમય તસ્કરો ટ્રકમાં જીપીઆરએસ સિસ્ટમ કાઢીને ટ્રક લઇને નાંસી ગયા હતા અને વેલંઝા ગામ પાસે પુલ પર સિમેન્ટની ગુણ ખાલી કરી ટ્રક છોડી નાસી ગયા હતા. બીજા દિવસે ટ્રકના માલિકને ઘટનાની જાણ થતા વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.