(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
શહેરના પુણા સીમાડા રોડ ઉપર ઠગ શખ્સે કરિયાણાની દુકાન ખોલી ૨૭ વેપારીઓ પાસેથી રૂ.૭૦.૭૭ લાખનો માલ ઉધારમાં ખરીદી કરી રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પુણા સીમાડા રોડ પર રઘુકુળ રેસિડેન્સીમાંની બહાર શ્રીજી માર્કેટિંગના નામે ધંધો કરતા જલદીપભાઈ દિનેશભાઈ થડેરે ભાડે દુકાન ખોલ્યા બાદ કરિયાણાનો વેપાર કરતો હતો. તેણે છેલ્લા એક મહિનામાં અલગ અલગ ૨૭ વેપારીઓ પાસેથી જુદી-જુદી પ્રોડકશનનો માલ ઉધારમાં ખરીદી કર્યો હતો. પરંતુ ઠગ જલદીપ થડેરે ૨૭ વેપારીઓ પાસેથી ઉધારમાં રૂ. ૭૦,૭૭,૨૪૩ની કિંમતનો માલ ખરીદી કર્યા બાદ ગત તા. ૧૧મી માર્ચના રોજ દુકાન બંધ કરી ૨૭ વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. તમામ વેપારીઓએ ભેગા મળી સરથાણા પોલીસને જાણ કરતા પોલીસ ઈન્સ્પેક્ટર એન.ડી. ચૌધરી તથા સ્ટાફના માણસોએ છેતરપિંડીની ફરિયાદ નોધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.