(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૨
લોકડાઉનને કારણે કાપડ બજાર બે મહિના કરતાં વધુ સમય બંધ રહ્યું હોવાથી ભાડાની દુકાન લઈને કામકાજ કરનારા વેપારીઓને મોટી નુકસાની થઈ છે. અત્યારે કાપડ બજાર ધીમે-ધીમે શરૂ થયું છે તે સાથે ભાડાના મુદ્દે અમુક માર્કેટમાં વેપારીઓમાં એક વિરોધનો ગણગણાટ અત્યારે શરૂ થયો છે. વેપાર થયો નહીં હોવાને કારણે ભાડું ચૂકવી શકાય એમ નહીં હોય, બે મહિનાનું ભાડું માફ કરવામાં આવે એવી માગણી સાથે વેપારીઓ માર્કેટ કમિટી સમક્ષ રજૂઆતો મૂકી રહ્યા છે. ગઈકાલે પણ બેગમવાડી વિસ્તારની તિરૂપતિ માર્કેટના વેપારીઓએ માર્કેટની બહાર એકઠા થઈને પોતાની માગણી દોહરાવી હતી. દુકાનોના ભાડા માફ કરવામાં આવે એવી માગણી જુદી-જુદી માર્કેટોમાં ભાડૂઆત વેપારીઓ દ્વારા દુકાન માલિકો અને માર્કેટ કમિટી સમક્ષ મૂકવામાં આવી રહી છે. કેટલીક માર્કેટોમાં દુકાન માલિકોએ ભાડૂઆતોને રાહત પણ આપી છે, જ્યારે કેટલાક માલિકોએ અડધું-અડધું નુકસાન ઊઠાવ્યું છે. એક-એક મહિનાનું કે પછી બે મહિનાનું ભાડું માફ કરનારા દુકાન માલિકો પણ કાપડ બજારમાં છે.