સુરત,તા.૩૧
કોરોનાગ્રસ્ત દર્દીઓની સગાસંબંધી, સ્વજનો, દર્દીઓનો સંપર્ક કરી પ્રતિદિન ૨૩૦ ફોન કોલ અને ૪૦ વિડીઓકોલ દ્વારા દર્દીઓના પરિવારજનોને તેમના સ્વજન દર્દીઓના આરોગ્ય અંગે માહિતગાર કરવામાં આવે છે. દર્દીઓના સ્વાસ્થ્યના ડેટા મેળવી અને તેની શારીરિક સ્થિતિની અદ્યતન વિગતોને સોફ્ટવેરમાં સ્ટોર કરી જાણકારી આપવામાં આવે છે. સેવા ફાઉન્ડેશનના ૧૫ સ્વયંસેવકો સહિત કોવિડ વોર્ડના આરોગ્યકર્મીઓ દરરોજ ૪૦ વિડીઓકોલથી દર્દી સાથે પરિજનોને વાત કરાવે છે.ગત રોજ હેલ્પ ડેસ્ક પર ૨૨૩ ફોન કોલ અને ૩૩ વિડીઓકોલ, સુરત બહારથી આવતાં ૨૫૬ કોલ એટેન્ડ કરવામાં આવ્યાં હતા, જ્યારે હેલ્પ ડેસ્ક પર રૂબરૂ આવતાં ૧૧૨ લોકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી. કોરોના વોર્ડમાં જઈને દર્દીઓને તેમના સગા સબંધીઓ સાથે વિડિયો કોલ પર વાત કરાવવામાં આવે છે. આ ઉપરાંત, હેલ્પ ડેસ્ક દ્વારા સારવાર લઈ રહેલા દર્દીને તેમના સગાસંબંધી દ્વારા મોકલવામાં આવતાં કપડા, સુકો નાસ્તો, મોબાઈલ, મોબાઈલ ચાર્જર જેવી જરૂરી ચીજવસ્તુઓ દર્દી સુધી સરળતાથી પહોંચાડવામાં આવે છે. જેમાં તા.૨૯મીએ ૧૮૫ દર્દીઓ સુધી આ પ્રકારની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. ‘હેલ્પ ડેસ્ક’માં ૩૭ કર્મચારીઓ ૨૪ કલાક ફરજ નિભાવી રહ્યાં છે. નવી સિવિલના આરોગ્ય તંત્ર સંચાલિત આ હેલ્પ ડેસ્ક દર્દી અને પરિવાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્વજનોને સારવાર તેમજ અન્ય જાણકારી મળી રહે તે માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલી હેલ્પડેસ્ક સેવા, આશીર્વાદરૂપ નીવડી રહી છે. સ્વજનોને દર્દીઓના સ્વાસ્થ્યની માહિતી આપવામાં આવી રહી છે.