(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરના પુણા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન મહારાષ્ટ્ર નાસિક જલ રોડ, ટાકડી રોડ પર તિરૂપતિ નગરમાં રહેતા પ્રકાશ અશોક ખરે સાથે થયા હતા. પ્રકાશ ખરે રીક્ષા ચલાવી પરિવાનું ગુજરાન કરે છે. પરિણીતાએ લગ્ન બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. જેથી ઘરમાં પુત્ર માટે કંકાશ શરૂ થયો હતો. પતિ સહીત સાસરિયાઓ વારંવાર મહેણાં ટોણાં મારતા હતા. એટલું જ નહિ ઘણી વાર ઢીક મુક્કીનો માર પણ મારતા હતા. પરિણીતાને વધુ એક ગર્ભ રહેતા પતિએ તેનું ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું. જોકે ગર્ભમાં છોકરી હોવાનું જાણવા મળતા પરિણીતા પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. પતિ પ્રકાશ તથા સાસુ સુમન, મોટી નણંદ ઉજવલા દીપક નીકમ, નાની નણંદ કવિતા નાનુરજ સિરસાટ તેણીને મહેણાંટોણાં મારી તુ પનોતી છે અને છોકરી ને જન્મ આપે છે. તેમ કહી પરિણીતાની મરજી વિરૂદ્ધ એબોશન કરાવી મહિના કઢાવી નાખ્યા હતા. એટલું જ નહિ તને છુટાછેડા આપી બીજી બૈરી લાવવી છે તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપી પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતા પિયર પરત આવી ગઈ હતી. પરિણીતાએ ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે સાસરિયાઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.