(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
સુરતમહાનગરપાલિકા કમિશ્નર થેન્નારસન દ્વારા તૈયાર કરાયેલા વર્ષ ૨૦૧૮-૧૯ના ડ્રાફ્ટ બેજેટમાં શહેરીજનો ઉપર રૂા.૫૩૮ કરોડનો જંગી કરબોજ નાંખવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ જે કરાય છે. તેનો કોંગ્રેસ દ્વારા ઘોર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવતી કાલે કોંગ્રેસીઓ સાંજે ચાર વાગ્યે ચોકબજારની ગાંધી પ્રતિમાંથી એક રેલી કાઢી મનપા કચેરીએ જઇ, કમિશનરને રજૂઆત કરનાર છે.આટલું જ નહિં પરંતુ શહેર કોંગ્રેસ મનપાના ભાજપી મેયર અશ્મિતા સિરોયાના ઘરે જઇ તેમણા ઘરના પાણી તથા ડ્રેનેજની લાઇન કાપી નાંખવાની પણ ધમકી શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ પટેલે ઉચ્ચારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસકો જ્યાં સુધી વેરા વધારો પાછો ખેંચશે નહિં ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખશું.આ દરમિયાન અમે કેટલાક આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપીશું તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મનપાના કોંગ્રેસપક્ષના માજી વિરોધપક્ષ નેતા અને હાલના નગર સેવક ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે,પાલિકા કમિશ્નર ભાજપ શાસકો સાથે મળી ગયા છે. તેમણે ભાજપ શાસકોની સુચના મુજબ જ આ આકરો કર વધારો ઝીંક્યો છે. જો કે ભાજપ શાસકો જે વિકાસની વાતો કરે છે, તે તો કેન્દ્રમાં યુપીએના શાસન દરમિયાન જેએનએનયુઆરએમ યોજના અંતર્ગત જે ગ્રાન્ટના નાણાં મળતા હતા. તેમાંથી થયો છે. જો કે ભાજપ શાસકોની અણઘડતાને કારણે સમૃદ્ધ પાલિકાની તિજોરીના તળીયા જાટક થઇ જવા પામ્યા છે.
મનપાના વિરોધપક્ષ કોંગ્રેસના માજી નેતા બાબુભાઇ રાયકાએ જણાવ્યું હતું કે,સુરત મનપા રાજ્યમાં ખૂબ જ સમૃદ્ધ કહેવાતી હતી. પરંતુ ભાજપ શાસકોના લોભામણી વૃત્તિ અને આડેધડ કરાતા કામોના કારણે પાલિકાની હાલત હાલમાં ખૂબ જ દયનીય બની રહેવા પામી છે.
મનપાના વિરોધપક્ષ કોંગ્રેસના માજી નેતા બાબુભાઇ કાપડીયાએ જણાવ્યું હતું કે,અમે જેએનએનયુઆરએમ અંતર્ગત અમે કેન્દ્રને વિનંતી કરી કરીને પાલિકાના ગ્રાન્ટ પેટે નાણાં આપવાની જે માંગણી કરી હતી. તેના કારણે જે તે સમયની યુપીએ સરકારે સુરત મનપાને કોઇપણ જાતના ભેદભાવ વગર ગ્રાન્ટ આપી છે. જેના થકી જ આ શહેરનો હાલમાં વિકાસ થયો છે. જ્યારે હાલમાં કેન્દ્રમાં ખુબ ભાજપ સમર્થીત એનડીએ સરકાર જ શાસનમાં હોવા છતાં સુરત મનપા સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે જે વ્યાજબી નથી.