(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
‘પદ્માવત’ ફિલ્મ પ્રદર્શિત થવા આડે એક દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ગઈકાલે અમદાવાદ શહેર સળગી ઊઠતા સુરત પોલીસ એલર્ટ થઇ ગઈ છે. બે દિવસ પહેલાં સુરતમાં પાંચ-છ જગ્યાએ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ઉગ્ર હિંસા આચરવામાં આવી હતી. જે સંદર્ભે પો. કમિ. સતીષ શર્માએ હિંસક ટોળા સામે સખ્તાઈથી કામ લેવાં આવશે. તેમ જણાવ્યું હતું. ગઇકાલે અમદાવાદમાં કેડલ માર્ચ દરમિયાન હિંસક બનેલા ટોળાંએ આગ ચાંપવાનુ અને તોડફોડ કરવાનું શરૂ કરી દેતાં ગુજરાતભરમાં ફરીથી ફિલ્મ ‘પદ્માવત’ના મુદ્દે તોફાનો ફાટી નીકળવાની દહેશત વ્યાપી ગઈ છે. અમદાવાદની ઘટનાને પગલે ગઈકાલે મોડી રાત્રિથી સુરત પોલીસ એલર્ટ થઇ ગઈ હતી. પો. કમિ. સતીષ શર્માએ રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ કરી જ્યાં પણ દેખાવકારો દેખાય, તેઓની સામે સખત કાર્યવાહી કરવા નિર્દેશ આપી દીધો છે. ખાસ કરીને સુરતમાં વસતા રાજપૂત સમાજના સંગઠનોના આગેવાનો અને તેઓની બેઠક ઉપર વિશેષ નજર પોલીસ રાખી રહી છે. શહેરના મોલમાંઆવેલા થિયેટરો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. આગામી તા.૨૬મી જાન્યુઆરીની ઉજવણીને ધ્યાનમાં રાખી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીંએ માટે પોલીસે શહેરભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. ખાસ કરીને આવતીકાલે દેશભરમાં ફિલ્મ ‘પદ્માવત’ રિલિઝ થઈ રહી છે. ત્યારે સુરત પોલીસ પ્રશાસન વિશેષ કાળજી લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.