(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૯
સુરત શહેરમાં પોલીસ પેટ્રોલીંગની વચ્ચે મોબાઇલ સ્નેચરો વધુ બે રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને ભાગી ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાસોદરા ઓમ ટાઉનશીપમાં રહેતો અને નોકરી કરતો અભય ભિખાભાઇ બાંભરોલીયા તા.૧૬મી જુલાઇના રોજ રાત્રિના સમયે ભાઠેના ચાર રસ્તા પાસે આવેલા બીઆરટીએસ પાસેના રોડ પરથી પગપાળા પસાર થઇ રહ્યો હતો. ત્યારે એકટીવા પર ત્રાટકેલા સ્નેચરોએ તેના ખિસ્સામાંથી રોકડા રૂ.૨ હજાર અને મોબાઇલ મળી કુલ રૂ.૧૦ હજારની ચોરી કરી ભાગી છુટ્યા હતા. બીજા બનાવમાં કતારગામ મણીભદ્ર ફલેટમાં રહેતી અને નોકરી કરતી પંકીતબેન બિપીનકુમાર શાહ તા.૧૮મી જુલાઇના રોજ બપોરના સમયે કતારગામ રત્નમાલા ચાર રસ્તા પાસેથી પગપાળા પસાર થઇ રહી હતી. ત્યારે બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરો તેના હાથમાંથી રૂ.૭ હજારનો મોબાઇલ ફોન લુંટીને ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે અલગ અલગ બે ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.