(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સુરતને એરપોર્ટ મળે તે માટે તેમજ સુરત ખાતે એરપોર્ટ ઉપરની સેવાઓ સુધરે અને કાર્ગો તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સેવાનો લાભ સુરતને મળે એ માટે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ સતત સક્રિય રહીને રજૂઆતો અધિકારીઓની મુલાકાતો, પ્રાઈવેટ વિમાની સેવાની મુલાકાતો અને એમને રજૂઆતો કરતા રહ્યાં છે. જેના ભાગરપે આજે સુરત એરપોર્ટ ઉપર લગભગ ચાર થી પાંચ વિમાની કંપનીઓ દ્વારા પોતાની સેવાનો લાભ સુરતને આપવામાં આવ્યો છે. એમાં એક નવા પીછારૂપે એર એશિયા કંપનીના સીઈઓ અમર અબ્રોલો દ્વારા સુરત બેંગ્લોર વિમાની સેવાનો ૧૫મી મેથી શરૂ કરવાનો ટ્‌વીટર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એર એશિયાની જાહેરાતને આવકારતા સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા આ પગલાથી ટેક્ષ્ટાઈલ, આઈ.ટી., ડાયમંડ જેવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગોને લાભ થશે. તેમજ સુરતનું એરપોર્ટ વર્તમાન ટ્રાફિકને ધ્યાનમાં લઈને ખૂબ જ ઝડપથી હજુ વધારે સેવાઓનો લાભ સુરતની જનતાને આપશે એવી આશા વ્યક્ત કરી હતી.