(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
સુરત શહેરના પરવત-ગોડાદરા વિસ્તારના વોર્ડ નંબર ૨૫ના ભાજપની મહિલા નગર સેવક મીના રાઠોડ, પતિ દિનેશ રાઠોડ તથા વચેટીયા હરીશભાઈ નારાયણભાઈની રૂ.૫ લાખની લાંચની માંગણી તથા સ્વીકારવાના એક કિસ્સામાં એસીબીએ મોડી રાત્રે ધરપકડ કરી હતી. જોકે, આ વાત વાયુવેગે શહેર આખામાં પ્રસરી જતા શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાળાએ તાકીદની અસરથી કોર્પોરેટર મીના રાઠોડ અને તેમના પતિ દિનેશ રાઠોડને પક્ષમાંથી કાઢી મુક્યા હતા. મોડી સાંજે ત્રણેય આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરનાર હોવાનું એસીબીના એસીપી આર.એસ.પટેલે જણાવ્યું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એસીબીના એસીપી આર.એસ. પટેલે જણાવ્યું હતું કે, ગોડાદરા વિસ્તારમાં એક મિલ્કતદારે બાંધકામ કર્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામ હોવાથી મનપાના લીંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા તેનું ડીમોલીશન કરી નાંખવામાં આવ્યું હતું. એક વખત ડીમોલીશન થઈ ગયા બાદ બીજી વખત ડીમોલીશન નહીં થાય તે માટે મિલ્કતદાર લીંબાયત ઝોનમાં જઈને મળ્યા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ ભાજપના સ્થાનિક મહિલા કોર્પોરેટર મીનાબેન રાઠોડને મળ્યા હતા અને બાંધકામ કરવાની મંજુરી તેમજ બીજીવાર ડીમોલીશન ન થાય તે માટે મદદ કરવાની વાત કરતા મીના રાઠોડે રૂ.૫ લાખની માંગણી કરી હતી અને નહીં મળે તો ફરી ડીમોલીશન કરવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલા મિલ્કતદારે એસીબીમાં ફરિયાદ કરતા ગતરાત્રે તેમણે છટકુ ગોઠવી ગોડાદરા-દેવધ રોડ પર રૂપસાગર સોસાયટી પાસે રૂ.૫ લાખ લેતા મીના રાઠોડના પતિ દિનેશ રાઠોડ તથા હરીશ વાગમણીને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીના અધિકારીઓએ મોડી રાત્રે ૩.૪૫ કલાકે ધરપકડ કરી હતી. આજે મોડી સાંજે ત્રણેય આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડની માંગણી કરવામાં આવનાર હોવાનું એસીપી આર.એસ.પટેલે જણાવ્યું હતું.
ત્રણ આરોપીઓની એસીબીએ ધરપકડ કર્યા બાદ પોલીસે તેમના નિવાસ સ્થાનમાં દરોડા પાડી અપ્રમાણસર મિલકતની વીડિયોગ્રાફી પણ કરી હતી. જોકે તેઓને ત્યાંથી મસમોટી રોકડ રકમ મળી નહીં હોવાનું એસીપી આર.એસ. પટેલે જણાવ્યું હતું.