ભારે ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડતાં પોલીસ કાર્યવાહી કરશે કે કેમ ?

સુરત,તા.ર૪
ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ તેમના માનમાં સુરતમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. સુરતમાં એક તરફ કાળમુળો કોરોના વકરી રહ્યો છે. ત્યારે ભાજપના આગેવાનો દ્વારા આવી રેલીનું આયોજન કરાતા કોરોનાના સંક્રમણમાં વધારો થાય અને આગામી દિવસોમાં સુરતમાં કોરોનાના કેસો કુદકે ને ભૂસકે વધે તો નવાઈ નહીં. જો કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખે રેલી માટે ભારે ભીડ ભેગી થતા રેલી રદ કરવા વિનંતી કરી હતી. પરંતુ પ્રમુખો આવકારવા ભાજપના નેતાઓ ભાન ભૂલી ગયા હતા. જેને પગલે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ કરનારા ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરશે કે કેમ ? વિગતવાર વાત કરી એ તો ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ તરીકે પ્રથમવાર સુરત આવી રહેલા સી.આર. પાટીલને આવકારવા માટે ભાન ભૂલેલા ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડી મૂક્યા હતા. નજીક ઊભા રહેલા ભાજપના હજારો નેતા અને કાર્યકર્તાઓએ સામાજિક અંતરના લીરેલીરે ઉડાવ્યા હોવાથી વિપક્ષ કોંગ્રેસે આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. એક નેતાને કારણે હજારો કાર્યકર્તાઓના જીવને જોખમમાં નાખનારા સાંસદો, ધારાસભ્યો, મેયર સહિતના નેતાઓ સામે સુરતના લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસે રીતસરનું કેમ્પેઇન ચલાવીને ભાજપની ભૂલને પ્રજા સમક્ષ મૂકી હતી. બીજી તરફ ભાજપે સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય રીતે પાલન કર્યું હોવાની તર્ક વિનાની દલીલ કરી હતી. સુરતમાં સી.આર. પાટીલના સ્વાગત માટે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ધ્વજને કાર્યકરોએ કાર ઉપરથી લહેરાવ્યો હતો. જો કે રેલીની રદ કરાયાની વાત કરવામાં આવી હતી. પરંતુ રેલીની તસવીરો પરથી સ્પષ્ટ રીતે રેલીમાં અગાઉ ભારે ભીડ જમા થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળે છે. અત્રે નોંધનીય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના સુરત આગમન ટાળે વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પગલે વાલક પાટીયા પાસે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડતા રેલી રદ કરવામાં આવી હતી.