(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
સરકારની મંજુરી લઈને એકમ શરૂ કરનારા ઉદ્યોગકારો માટે એક નવી આફત પોલીસની હેરાનગતિની સામે આવી છે. ઉદ્યોગકારોને પરવાનગી તો આપી દેવામાં આવી છે, પરંતુ લેખિતમાં નહીં હોવાને કારણે પોલીસ તંત્ર કારીગરોને રસ્તામાં રોકી રહ્યું છે. પરિણામે કારીગરોની સમસ્યા નડી રહી છે.શહેરની બહારના ઔદ્યોગિક વસાહતમાંના એકમોમાં કામ કરતા કારીગરો નજીકના કે અન્ય વિસ્તારમાંથી આવતા હોય છે. આવા કારીગરોને રસ્તામાં પોલીસ અટકાવે છે અને તેઓને કામે જતા રોકે છે, એવી ફરિયાદ એક કારખાનેદારે કરી છે. સરકારે ઉદ્યોગકારો પાસેથી બાંહેધરી લઈને પરવાનગી તો આપી દીધી છે, પણ લેખિતમાં કશું નહીં હોવાથી પોલીસ તંત્ર નિયમ મુજબ મૌખિક સૂચનાને સ્વીકારતું નથી. શહેરની હદ બહાર આવેલા ઔદ્યોગિક વસાહતોમાં કારીગરો અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી આવતા હોય છે. સરકાર પાસે પરવાનગી લઈને ૬૦ કારીગરોથી પોતાનું એકમ શરૂ કરનાર એક કારખાનેદારને ત્યાં પોલીસની કનડગતને કારણે કારીગરો અડધા જેટલા થઈ ગયા છે.