(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત મનપાના રક્તપિત વિભાગમાં કામ કરતાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટરનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સ્મીમેર હોસ્પિટલ અને રક્તપિત વિભાગમાં કામગીરી કરતાં એસ.એસ.આઈ.ને કોરોનાની સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરત મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઈસ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં ગીરીશ ભાદરકાનું આજે કોરોનાની સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં મૃત્યું થયું છે. એસ.એસ.આઈ. ભાદરકા લેપ્રોકેસીમાં રક્તપિત વિભાગ, રક્તદાન કેન્દ્ર નજીક ઉધનામાં ફરજ બજાવતાં હતા અને દર શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતા. મનપાના મૃતક કર્મચારી કોરોનાની સીધી કામગીરી સાથે સંકળાયા હોય તેવી વિગત હાલ મળી નથી પરંતુ તેઓ કોરોનાના દર્દીની સારવાર થાય છે તે સ્મીમેર હોસ્પિટલમાં અઠવાડિયામાં એક વાર ફરજ બજાવતાં હતા. ગત રવિવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને સારવાર માટે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. તેમના મૃત્યુ બાદ એવી ચર્ચા શરૂ થઈ છે કે, કોરોનાની સારવારમાં જરૂરી ઈન્જેક્શનની જરૂર હતી પરંતુ તેમને ન મળતાં તેમનું મૃત્યુ થયું છે. જો કે, સત્તાવાર રીતે આ વાતને સમર્થન મળતું નથી પરંતુ કર્મચારીઓમાં આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. એસ.એસ.આઈ. ગીરીશ ભાદરકા કોરોનાના સંક્રમણમાં જીવ ગુમાવનાર પહેલો કર્મચારી હોવાથી પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરતાં કર્મચારીઓને વધુ સુરક્ષા કવચ આપવા તથા સારવારમાં પ્રાધાન્ય આપવા માટેની માગણી શરૂ થઈ ગઈ છે.