(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨ર
કેરળમાં નિપાહ વાયરસને પગલે ૧૬નાં મોત નીપજતાં દેશભરમાં આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાર રેપિડ રિસ્પોન્સ ટીમે તૈયાર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં ચાર મેડિકલ ઓફિસરો અને પેરા મેડિકલ સ્ટાફને વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરભરમાં તમામ કિલીનીક તેમજ હોસ્પિટલોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને નિપાહ વાયરસના લક્ષણો જણાય તો તુરંત જ તે સંદર્ભની કાર્યવાહી કરવા માટે આદેશ જારી કરી દેવામાં આવ્યા છેે. નિપાહ વાયરસ ચામચિડીયાથી ફેલાતો રોગ છે અને ૨૦ વર્ષ પૂર્વે તે સૌપ્રથમ મલેશિયામાં દેખાયો હતો. ચામચિડીયા વૃક્ષો પર જે ફળો ખાય છે, તે નીચે પડતાં અન્ય પશુઓ જ્યારે આ એંઠા ફળો આરોગે ત્યારે તેના નિપાહ વાયરસ ફેલાવવાની શક્યાતા રહેલી છે. આવા ફળો જો માનવીના ખાવામાં આવે તો પણ વાયરસ ફેલાઈ શકે છે. અત્યંત ખતરનારક નિપાહ વાયરસનો ચેપ લાગ્યો હોય તો ચાર પૈકી ત્રણ દર્દીઓના મૃત્યુ નીપજે છે. બીજી વાત એ પણ છે કે તેની કોઈ રસી કે દવા શોધાઈ નથી. ત્યારે આ વાયરસ સામે લડી લેવા માટે આરોગ્ય અંગેની સતર્કતા જ મુખ્ય હથિયાર છે.
સુરત મહાનગરપાલિકાના ડે.કમિ.હેલ્થ એન્ડ હોસ્પિ.(ઈન્ચાર્જ) ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે નિપાહ વાયરસ સામે સતર્કતાના પગલાં શરૂ કરી દેવાયાં છે. પાલિકાના ચાર મેડિકલ સ્ટાફની ચાર ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમોને નિપાહ વાયરસના લક્ષણો તેમજ તેની સારવાર, કાળજી અંગેની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. શહેરની તમામ કિલનીકો તેમજ હોસ્પિટલોમાં નિપાહ વાયરસ અંગેના આદેશ જારી કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જો આ વાયરસના લક્ષણો જણાય તો તુરંત જ સુરત મહાનગરપિલકાને જાણ કરવાની રહેશે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તુરંત ત્યાં પહોંચી દર્દીની સારવાર શરૂ કરાવશે.