(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકાની ૨૦૧૮-૧૯ના ડ્રાફ્‌ટ બજેટમાં મનપા કમિશનર એમ. થેન્નારાસન દ્વારા ૫૪૩ કરોડનો સૂચિત વધારો કરતા શાસકો અને વિપક્ષ વચ્ચે વિરોધ જોવા મળ્યો હતો. ગતરોજ મુખ્યમંત્રીને મળવા ગયેલ શાસકોને વેરો ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડ્રાફ્‌ટ બજેટમાં મનપા કમિશનર દ્વારા ૫૪૩ કરોડનો વધારો સૂચવ્યો છે. વેરા વધારાનો શાસકો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યા છે. શહેર ભાજપની સંકલન દરમ્યાન શહેર ભાજપ અધ્યક્ષ, સાંસદ અને ધારાસભ્યો દ્વારા કમિશનર દ્વારા સૂચવેલો વેરા વધારો પાછો લેવા ઉગ્ર રજૂઆત કરી હતી. વેરા વધારો બાબતે શાસકોમાં જ બે ફાડચા પડ્યા હતા. ગતરોજ મંગળવારે સ્થાયી સમિતિમાં બજેટ અંગેની ચર્ચા શરૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા ભારે હંગામો કરી વેરા વધારો પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેર ભાજપના પદાધિકારીઓને વેરા બાબતે પ્રેઝન્ટેશન સાથે ગાંધીનગર તેડાવ્યા હતા. ગતરોજ બજેટની મીટિંગ અધવચ્ચે પડતી મૂકી સ્થાયી અધ્યક્ષ રાજેશ દેસાઈ સાંજે ચાર કલાકે ગાંધીનગર જવા રવાના થયા હતા. શહેર ભાજપ અધ્યક્ષ નીતિન ભજીયાવાલા પણ મુખ્યમંત્રીને વેરા સંબંધિત રજૂઆત કરવા ગયા હતા. મેયર અસ્મિતાબેન શિરોયાના જણાવ્યા અનુસાર ભત્રીજીનો લગ્નપ્રસંગ હોવાથી હું ગાંધીનગર જઈ શકી નથી. ડેપ્યુટી મેયર શંકરભાઈ ચેવલીને મારા વતી ગાંધીનગર જવા જણાવતા તેમનું સુગર લો હોવાથી સ્વાસ્થ્યના કારણસર તેઓ પણ ગાંધીનગર જઈ શક્યા ન હતા.
મુખ્યમંત્રી દ્વારા મોટી સંકલનને ગાંધીનગર બોલાવ્યા હોવાથી સંકલનના સભ્યો મળવા માટે ગયા હતા. ગતરોજ સાંજે ૪ કલાકે સુરતથી નીકળેલા પ્રતિનિધિઓ ગત રાત્રે ૯ કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને વેરા વધારા અંગેના કારણો વિસ્તારપૂર્વક રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી દ્વારા પ્રેઝન્ટેશન જાયા બાદ કમિશનર દ્વારા સૂચિત વેરા વધારામાં ઘટાડો કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.