(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
સુરત મહાનગરપાલિકાના ક્લાર્ક સહિત સ્ટાફ ઉપર ફરજમાં રૂકાવટ અને હુમલો કરવાના કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી એક વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો મુજબ વેડરોડ ઉપર હરીઓમ મિલની સામે બહુચર નગર સોસાયટીમાં રહેતાં લાલજી દાનજીભાઈ રાઠોડ સુરત મહાનગરપાલિકામાં ફાઇલેરિયા ખાતામાં નોકરી કરે છે. તેમને સને ૨૦૧૪ના ઓક્ટોબર મહિનામાં સુરત મનપા તરફથી હાથીપગાના કેસોની કામગીરી સોંપવામાં આવતા પોતાના સ્ટાફના માણસો સાથે ગત તા.૧૦/૧૦/૨૦૧૪ના રોજ નાનપુરા સ્થિત એકતા સર્કલની પાસે ગયા હતા. જ્યાં અજાણ્યા ઈસમે ફરજમાં રૂકાવટ કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી હતી. જેમાં પોલીસે ગુનો દાખલ કરી નાનપુરાના ખંડેરાવપુરા સ્થિત ગીયારી સ્ટ્રીટમાં રહેતા દિપક ઉર્ફે દગડુ બાબુ જાદવની ધરપકડ કરી સુરતની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી પક્ષે સરકારી વકીલ બી.એ. દલાલ તથા મૂળ ફરિયાદી તરફે વકીલ અનિ જોગડિયાએ લેખિત દલીલો રજૂ કરી હતી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. જેમાં માર મારવામાં છ માસની સજા તથા રૂા.૫૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ઉપરાંત સરકારી કર્મચારી ઉપર હુમલો અને કામમાં રૂકાવટના ગુનામાં એક વર્ષની કેદ તથા રૂા.૨,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.