(સંવાદદાતા દ્વારા) સુરત તા.૭
આરબીઆઇ દ્વારા યસ બેંક પર અંકુશો મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રતિ માસ પ્રત્યેક ખાતામાંથી ફક્ત રૂપિયા ૫૦ હાજર સુધીની જ રકમ ઉપાડી શકવાનું નિયંત્રણ મૂક્યું છે. આ નિયંત્રણને લઇ ગભરાયેલા ખાતેદારોએ બેંકમાથી રોકડ ઉપાડ માટે બીજા દિવસે પણ લાઇન લગાવી દીધી હતી.જોકે યસ બેંકના એટીએમમાંથી રૂા.૧૦૦૦૦ જ નિકળી શક્યા હતા.જેથી ખાતેદારો અકળાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આરબીઆઇ દ્વારા યસ બેંક પર આર્થિક નિયંત્રણનો લાદી દીધા હતા, જેની વિગતો પ્રસરતા જ લોકોએ મોડી રાતે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ધસારો કરી દીધો હતો. બીજી તરફ બેંક કાર્યરત થાય તે પહેલેથી જ રોકડ ઉપાડવા માટે લાઇન લગાવી દીધી હતી. યસ બેંકની સુરતમાં મળી કુલ ૯ શાખા કાર્યરત છે. તમામ શાખાઓ પર સવારથી રોકડ ઉપાડવા માટે લાઇન લાગી ગઇ હતી. અંદાજ મુજબ એક જ દિવસમાં સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતની શાખા પરથી રૂપિયા ૧૦ કરોડથી વધુની રોકડની ચુકવણી કરવામાં આવી હતી. ખાતેદારોના ઘસારાના કારણે બપોર સુધીમાં ઘણી શાખાઓ પરથી રોકડ ખૂટી પડી હતી. જેને લઇને લાઇન લગાવી ઉભેલા ખાતેદારોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત એટીએમ મારફતે રોકડ ઉપાડના વ્યવહારો પણ બંધ કરી દેવાયા છે, જેને લઇને ખાતેદારોને ભારે હાલાકી પડી હતી. જોકે બીજા દિવસે પણ નિયંત્રણને લઇ ગભરાયેલા ખાતેદારોએ બેંકમાંથી રોકડ ઉપાડ માટે બીજા દિવસે પણ લાઇન લગાવી દીધી હતી.