(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
પ્રિ-મોન્સન કામગીરીને લઇને આજરોજ સુરત રેલવે સ્ટેશન ઉપર ડીઆરએમ સંજય મિશ્રાએ ઇન્સપેકશન કર્યું હતું, સ્ટેશન પર ડ્રેનેજ લાઇન અને ગટરની સાફ સફાઇ ઇન્સપેક્શનનો મુખ્ય હેતુ હતો.ઇન્સપેક્શન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ડ્રેનેજ લાઇનની મોટાભાગની સફાઇ થઇ ગઇ છે, તેમજ બાકીની આગામી પ- ૬ દિવસમાં પૂર્ણ થઇ જશે, આ સિવાય તેમને સ્ટેશન ઉપર કઇ જગ્યા વરસાદના કારણે પાણી ટપકવાની સમસ્યા છે કે કેમ તે અંગે પણ તાગ મેળવ્યા હતા. ઇન્સપેક્શનની કામગીરી દરમીયાન તેમની સાથે એડીએમ તથા સ્ટેશન ડાયરેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. એટલું જ નહી ડીઆરએમએ સ્ટેશન ઉપર હાજર મુસાફરને પણ મળ્યા હતા અને સ્ટેશન ઉપર મળતી સુવિધાઓ તેમજ તકલીફ અંગે પુછ્યું હતું, અને તેમનો અભિપ્રાય માંગ્યો હતો. સફાઇના મુદ્દે આગળ સુરત સ્ટેશનને નંબર વનની યાદીમાં હતુ, પરંતુ ત્યારબાદ બેદરકારી કહીએ કે યોગ્ય દેખરેખ નહિ થવાના કારણે સ્ટેશન સફાઇના મુદ્દે ટોપ ટેનમાં પણ નથી, જેના કારણે સ્ટેશન અધિકારીઓને ડીઆરએમ મિશ્રાની લાલ આંખનો સામનો કરવો પડ્યો હતો.