(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
દેશની લોકસભા માટે ગુજરાતમાં ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે ભાજપના દર્શના જરદોષ અને કોંગ્રેસના અશોક પટેલે પોત પોતાના ટેકેદારો સાથે હાજર રહી નામંકન પત્રકો ભર્યો હતા.
કોંગ્રેસના સુરત બેઠક માટે જાહેર થયેલ ઉમેદવાર અશોક પટેલ (અધેવાડ) દ્વારા સવારે ૯ઃ૩૦ કલાકે વરાછા માનગઢ ચોક ખાતે કાર્યકરો સાથે ભેગા થયા હતા. ત્યાંથી વાહન રેલી કાઢીને અઠવાગેટ ખાતે આવેલ જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ગયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી કદીરભાઈ પીરઝાદા, સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઈ રાયકા, કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉમેદવાર અશોક પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી.
ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશને ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાથી સવારે ૧૧ઃ૩૦ કલાકે અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના અગ્રણી નેતા પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ વચ્ચે દર્શના જરદોષની રેલી જિલ્લા કલેક્ટર ઓફિસે પહોંચી હતી. આ પ્રસંગે સુરત શહેર ભાજપા અધ્યક્ષ નીતિન ભજિયાવાલા, મંત્રી કિશોર કાનાણી સહિત શહેર ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંસદ દર્શના જરદોષ દ્વારા ગતરોજ ગુપચુપ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે રેલી કાઢી શક્તિ પ્રદર્શન સાથે બીજા ફોર્મ ભર્યા હતા.આવતીકાલે ફોર્મની ચકાસણી થશે અને ૮મી એપ્રિલે અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. ૨૩ એપ્રિલના રોજ મતદાન થશે. તેમજ ૨૩ મે ૨૦૧૯ના રોજ મતગણતરી થશે.