(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
રૂા.૮ લાખની સબસિડી વાળી લોન અપાવવાના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ઠગ મહિલાની રાંદેર પોલીસે ધરપકડ કરી લીધી છે.
નાનપુરા ખંડેરાવપુરામાં રહેતી ઝાહેદા ઉર્ફે મુસ્કાન ગુલામ હુસેન શેખ નામની મહિલાએ બાજપાઈ રોજગાર યોજનામાં નાના-મોટા ઉદ્યોગ માટે રૂા.૮ લાખની સબસિડી વાળી સરકારી લોન અપાવવાની લાલચ આપીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા અને સમય આવ્યે લોન અપાવ્યા વિના ફરાર થઈ ગઈ હતી. આમાં નાનપુરા વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી અને મોરાભાગળ શિવદર્શન સોસાયટીમાં રહેતી દિપીકા પ્રાણ પામેલાનો પણ સમાવેશ થતો હતો.લોકો પાસેથી ઝાહેદાએ રૂા.૫૨,૫૦૦ પડાવ્યા હતા. આ સિવાય જો લોનની રકમ દસ દિવસમાં જોઇતી હોય તો વધારાના રૂા.૨૦,૦૦૦ આપવાનું કરીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જેમાં દિપીકાની પુત્રી દેવ્યાની અને વર્ષા પામેલા, મોરાભાગળ પટેલ નગરમાં રહેતા માતા મનુબેન મહેન્દ્ર સેલર, ગાયક કલાકાર બહેન શિલ્પા જગદીશ પાલન્ડે ઉપરાંત સંબંધી પૂનમબેન જુગલ શર્મા, પૂનમબેનની સાસુ કિરણ સોહનલાલ શર્મા, અન્ય સંબંધી હનીબેન ઓમપ્રકાશ ભાવનાની અને ભુરીબેન સોમાભાઇ તાવિયાડને પણ બાજપાઈ રોજગાર યોજનામાંથી રૂા.૮ લાખની પૂરી સબસિડી વાળી લોન અપાવવાની લાલચ આપી કુલ રૂા.૬.૬૫ લાખથી વધુની મત્તા પડાવી લોન મંજૂર થઇ હોવાનો બોગસ ચેક બતાવી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે ગઈકાલે રાત્રે ઠગ મહિલા ઝાહેદાની ધરપકડ કરી લીધી હતી. તેની સામે અનેક ફરિયાદ થાય તેવી સંભાવના છે.