સુરત,તા.૨
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા લોકોમાંથી પોલીસે ૩૯ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેની સુનાવણી બાદ કોર્ટે તમામ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં એટલે કે, જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગગન ઢીંગરા નામના યુવકે રૂા.૧૪ હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. આ ફાર્મ હાઉસ પારસીની માલિકીનું છે. પકડાયેલા નબીરાઓ કાપડ-વિવર્સ, બિલ્ડર અને હીરા ઉઘોગ સાથે સંકળાયેલા છે. જયારે યુવતીઓમાં એક ટીચર, પેઇન્ટર, બ્યુટી પાર્લર સંચાલિકા અને બાકીની અન્ય યુવતીઓ અભ્યાસ કરે છે. ચાર પેટીની બિયરના ટીન અને ૩ વિદેશી દારૂની બોટલોની વ્યવસ્થા ગગનએ કરી હતી. પકડાયેલો વિદેશી દારૂ પૈકી મોટેભાગના દારૂ પરમીટનો છે. જેમાં કેટલીક દારૂની બોટલો ગવિયરમાંથી બિપીન પટેલ પાસેથી લવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસે દારૂની મહેફિલમાંથી રૂા.૧.૧૦ કરોડનો મુદામાલ કબજે કર્યો છે, તેમાં ૧૪ કારો ૯૭ લાખની કિંમતની, ડી.જેનો સામાન ૩૦ હજાર, દારૂનો માલ ૭ હજાર, ૪૬ મોબાઇલ ૧૩ લાખની કિંમતના સામેલ છે.