(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાય રહ્યો છે. ત્યારે શહેરના લોખાત હોસ્પિટલમાં હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતાં બે કર્મચારીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ આવતી કાલે લોકડાઉનનો અંતિમ દિવસ હોવાને લઇ તંત્ર પણ મુંઝવણમાં છે. આ સાથે સુરત અને જિલ્લામાં મળીને કુલ ૩૩ કેસો નોધાયા છે.
સુરત મનપા ટેસ્ટિંગ માટે ખૂબ મોટી કામગીરી કરી રહી છે. અત્યાર સુધી કુલ ૧૪૨૮ માસ સેમ્પલિંગ કરાયા છે, તે પૈકી પોઝિટિવ ૩૩ કેસો સામે આવ્યા છે અને ૧૨૯૬ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૧૨૬ માસ સેમ્પલિંગ પેન્ડિંગ છે. અત્યારે જે એઆરઆઈના કેસો માસ સેમ્પલિંગ અને જે ક્લસ્ટરમાંથી મળે છે તે અને જે આઈસોલેટેડ છે તેના સગા મળે તેઓને પણ ક્વોરન્ટાઇનમાં ઉમેરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાના કુલ સાત પોઝિટિવ કેસોને સારવાર બાદ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે ૯ વધુ શંકાસ્પદ કેસો નોધાયા છે. આ સાથે કુલ ૩૪૩ શંકાસ્પદ કેસો નોધાઇ ચૂક્યા છે.
શહેરમાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનાર લોકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે. શહેરના રામપુરાની લોખાત હોસ્પિટલના એમ્બ્યુલન્સના ડ્રાયવર સાજીદના સંપર્કમાં આવનાર તેનો રૂમ પાર્ટનર વિનોદનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, આજે લોખાત હોસ્પિટલમાં હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા અને રામપુરામાં રહેતા ૩૬ વર્ષીય ઈમરાન હનિફભાઈ પઠાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અન્ય એક ૩૯ વર્ષીય મહિલા શબનમ મકસુદ અનસારી પણ લોખાત હોસ્પિટલની હેલ્થકેર વર્કર છે, જેનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો છે. આમ સુરત શહેરમાં ૩૧ અને જિલ્લાના બે મળી કુલ ૩૩ પોઝિટિવ કેસોની સંખ્યા નોંધાઇ છે. સોમવારે વધુ ૯ કેસો શંકાસ્પદ નોધાયા છે, જેમાં નવાગામ, લિંબાયત, મોટાવરાછા, અઠવાલાઇન્સ, મુગલીસરા અને ભટારમાં રહેતા ૧૨ વર્ષીય કિશોરીથી લઇ ૩૫ વર્ષના યુવકને શંકાસ્પદ લક્ષણો દેખાતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેસુમાં રહેતો ૧૯ વર્ષીય યુવક, રામપુરામાં રહેતો ૨૪ વર્ષીય યુવક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તેઓમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા બંનેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે, આમ અત્યાર સુધી શહેરમાં કુલ ૩૪૩ જેટલા શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છેે જેમાંથી ૩૦૪ના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. જેમાંથી સોમવારે વધુ ચારના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ ૪ના રિપોર્ટ પેન્ડિંગ છે. આમ પાલિકાએ પોઝિટિવ કેસના બંને દર્દીઓના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇનમાં લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત રામપુરામાં ફરીથી સેનિટાઇઝરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં રહેતાં આર્થિક રીતે નબળા અને શ્રમિક વર્ગના લોકોમાં કોરોના વાયરસ ના ફેલાવે એના માટે એ લોકો જ્યાં રહે છે એવી ૧૭૨ જેટલી સોસાયટી, વસાહતોને સર્વેમાં તારવવામાં આવી છે ત્યાં બેરિકેટીંગ કરી દેવામાં આવી છે. આવી ૧૭૨ જેટલી વસાહતોમાંથી અવરજવર માટે બંધ કરવામાં આવી છે.